• Gujarati News
  • સરસ્વતી તા.ના વિકાસ માટે સગવડો વધારવા રજૂઆત

સરસ્વતી તા.ના વિકાસ માટે સગવડો વધારવા રજૂઆત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતીતાલુકાનો સર્વાંગી વિકાસ કરવા માટે વિવિધ સુવિધાઓ કરવા પૂર્વ ધારાસભ્ય કેશાજી ઠાકોરે સરસ્વતી તાલુકાનું હેડક્વાર્ટર કાંસા કે મેલુસણ ખાતે રાખવા અને પાટણના સમાલપાટીના સાગોડીયા પાલડી વિસ્તારમાં જીઆઇડીસી ફાળવવાની માંગ મુખ્યમંત્રીને કરી છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી સ્થાનિક કક્ષાએ સગવડો ઉભી નહી થાય ત્યાં સુધી વિકાસની ગતિ એકદમ મંદ રહેશે.

રાજ્ય સરકારે સરસ્વતી તાલુકો અલગ બનાવ્યા પછી પાટણ ખાતે મામલતદાર અને તાલુકા પંચાયત કાર્યરત પણ થઇ ગયેલ છે. મામલતદાર કચેરી માટે ચોરમારપુરામાં કામ પણ શરુ કરી દેવાયું છે ત્યારે કાંસાના વતની અને પૂર્વ ધારાસભ્ય કેશાજી ઠાકોરે તાલુકાના ઝડપી વિકાસ માટે તાલુકાનું હેડક્વાર્ટર પાટણના ઓજી વિસ્તારને બદલે કાંસા કે મેલુસણ ગામે રાખવા, બાલુવા ગામે કેન્દ્રીય વિધાલય,ઓઢવા કે વારેડા ગામે કસ્તુરબા કન્યા વિધાલય,ખારેડામાં સરકારી મોડેલ સ્કૂલ, કોટાવડ કાતરા અને અજુજામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સરીયદ કાંસા અને વાયડમાં ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહની શાળા તેમજ ડીસા રોડ પરના કોઇટા અને શિહોરી રોડ પર નાયતા ગામે સરકારી કોલેજ શરુ કરવા, ખારેડામાં પીએચસી, મેલુસણમાં ગ્રામીણ બેન્કની શાખા, વદાણી વાયડ અને સરીયદને જીઆઇડીસીઅને પાટણના સમાલપાટી વિસ્તારમાં જિલ્લા કક્ષાની જીઆઇડીસી બનાવવા રજૂઆત કરી છે.

સરસ્વતી તાલુકો નવો બન્યો હોવાથી સ્થાનિક કક્ષાએથી વિકાસ થવો જરૂરી છે. તાલુકામાં આવતા ગ્રામજનોની પણ એવી માંગ છે. જેને ફળીભૂત કરવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. માટે કેવા પગલાં લેવાશે તે આગળ જોવું રહ્યું.