જયરામનગરની મસ્તીની પાઠશાળા: જ્યાં બાળકોને રમતાં રમતાં ભણાવાય છે, બે વર્ષમાં 35% બાળકોનો પ્રવેશ વધ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના જયરામનગર ગામના બાળકો ઉનાળુ વેકેશનમાં પણ શાળામાં આવવા ઉત્સુક છે. કારણ કે, તેમના માટે આ સ્કૂલ નહીં પણ મસ્તીની પાઠશાળા છે. શિક્ષકો દ્વારા રમતાં રમતાં ભણાવવાની પદ્ધતિને કારણે બાળકોમાં ભણવા માટે ઉત્સાહ સર્જાયો છે. પરિણામે બે વર્ષ પહેલાં ધો.1 થી 8ની આ સરકારી પ્રાથમિક શાળામાં માત્ર 70 બાળકો ભણવા આવતા હતા, તે સંખ્યા હવે 111એ પહોંચી છે. બાળકોનો આવો ઉત્સાહ ટકી રહે અને ડ્રોપઆઉટ ન થાય તે માટે ખાસ સમર કેમ્પનું પણ આયોજન કરાયું છે.

સમી તાલુકામાં બનાસ નદીના કિનારે આવેલા જયરામ નગર ગામમાં નિરાશ્રિત ઠાકોર સમાજના લોકો રહે છે, આ કોઈ સુખી સંપન્ન લોકો નથી પરંતુ ઈંટભઠ્ઠા, મીઠાના અગરો, ખોદકામ અને ખેતમજૂરી કરી જીવન નિર્વાહ કરે છે. તેમના વ્યવસાયના કારણે સતત સ્થળાંતર કરવું પડતું હોવાથી તેની સીધી અસર તેમના બાળકોના શિક્ષણકાર્ય ઉપર ના પડે અને બાળકો ડ્રોપઆઉટ ન થાય તે માટે બાળકોને રમતાં રમતાં શિક્ષણ આપવામાં આવે છે. ઉનાળુ વેકેશનમાં પણ બાળકોમાં ઉત્સાહ જળવાઇ રહે તે માટે શિક્ષક હરિભાઈ આર. પટેલે 19થી 23 મે સુધી સમર કેમ્પ ગોઠવી બાળકો માટે સ્કેટિંગ સહિતના રમતનાં સાધનો સ્વખર્ચે અને લોકફાળાથી વસાવ્યાં છે.

બાળકોનો શાળા પ્રત્યેનો લગાવ જળવાઇ રહે તે માટે શિક્ષકોએ સમર કેમ્પ યોજી સ્વખર્ચે સ્કેટિંગ સહિતનાં સાધનો વસાવ્યાં
70 બાળકોની સંખ્યા બે વર્ષમાં 111એ પહોંચી
બે વર્ષ અગાઉ શાળામાં માત્ર 70 બાળકોની સંખ્યા હતી, જે હાલમાં 111 બાળકોએ પહોંચી છે. ડી ગ્રેડમાંથી બી ગ્રેડમાં શાળા આવી છે અને એ પ્લસમાં પહોંચાડવાનું શિક્ષકોનું લક્ષ છે. શાળામાં શિક્ષણની સાથે બચત બેંક, લિટલ લાઈબ્રેરી, એટ રીશેષ ટાઈમ,બચ્ચો કા બાગ, રાત્રી ઓપન એર થિયેટર થકી કાર્યક્રમો થકી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા જેવી પ્રવૃતિઓ કરતાં બાળકોના પ્રવેશમાં 35 ટકાનો વધારો થયો છે. હરિભાઇ આર. પટેલ, શિક્ષક જયરામનગર પ્રાથમિક શાળા

બાળકો માટે ભોજન- આરામની વ્યવસ્થા
સમર કેમ્પમાં બાળકોના કૌવત કૌશલ્યવર્ધન માટે સ્વચ્છતા, ધર્મ, સાંસ્કૃતિક, ગાયન, આઉટડોર ગેમ, રંગોળી પૂરવી, સ્કેપબુક બનાવી, એડવેન્ચર, ચિંતન ઓળખ, સાંસ્કૃતિક વાદન, કેશગુંથણ, સુશોભન, કાગળ પૂંઠાના નમૂના, શરબત બનાવવું, એડવેન્ચર રસાચઢ, ઇન્ડોરગેમ, વેસ્ટમાંથી બેસ્ટ, વજન ઊંચાઈ, સાંસ્કૃતિક નાટક, રેતશિલ્પ, ચીટકકામ, રસોઈ, યોગ, કરાટે, ચિત્રકામ, બાગબાની અને અંતરમાપન સહિતની પ્રવૃત્તિ કરવામાં આવશે. કેમ્પમાં બાળકોને ભોજન અને આરામ માટેની પણ વ્યવસ્થા કરાશે.

અન્ય સમાચારો પણ છે...