સિદ્ધપુર: સિદ્ધપુર શહેરના ગંજ બજાર રોડ પર કાકોશી ફાટક વિસ્તારમાં હીરાપન્ના કોમ્પ્લેક્ષમાં આવેલ કરિયાણા, પીપરમેન્ટ તેમજ ડેરી પ્રોડક્ટની દુકાનોમાં ગુરૂવારે રાત્રે અજાણ્યા શખસો દ્વારા રૂ.40 હજારના મુદ્દામાલની ચોરી કરાઇ હતી. જેને લઇને વેપારી આલમમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ હતી અને શહેરમાં કાયદો વ્યવસ્થાને લઇ ચિંતાનો માહોલ ખડો થયો હતો પણ પોલીસે શકમંદો તપાસીને ચોર સુધી પહોંચી જઇ બે તસ્કરોને ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
દુકાનોમાં એક સામટી ચોરીની ઘટના અંગે વેપારીઓ દ્વારા શહેર પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.જાડેજાને રજૂઆત કરી હતી. જેના સંદર્ભમાં પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરતા બનાવના સંદર્ભે નોહસીન નુરુ શેખ તેમજ અકબર રહીમ કુંભાર મુસલમાન રહે હનુમાનપુરા તાવડીયા ચાર રસ્તાવાળાને શકમંદ હાલતમાં પકડી પુછપરછ કરતા તેઓએ ચોરીની કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓએ આ દુકાનોનાં તાળાં લોખંડની કોસ દ્વારા તોડી ચોરી કરી હતી. જેને પગલે શનિવારે સાંજે 4 કલાકે અટક કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હતો તેમજ બીજા કોઇ ગુના કરેલ છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.