પાટણ શાકમાર્કેટમાં બંધ દુકાનો પરત લેવાની નોટિસોથી વેપારીઓ લાલઘૂમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ: પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સરદાર પટેલ શાકમાર્કેટમાં બંધ પડેલી દુકાનોનો કબજો પરત લેવા માટે 68 વેપારીઓને માર્કેટ કમિટી દ્વારા નોટિસ ફટકારવામાં આવતાં વેપારીઓ ધૂઆપુઆ થઇ ગયા છે. આ મુદ્દે વેપારીઓ અને માર્કેટ કમિટી વચ્ચે ગજગ્રાહ સર્જાય તેવા એંધાણ વર્તાઇ  રહ્યા છે. વેપારીઓ કમિટી સામે બાંયો ચડાવવાના મૂડમાં હોય તેમ શનિવારે  માર્કેટ ઓફિસમાં જવાબ  રજૂ કરવા માટે ગયા  ત્યારે ચેરમેન દશરથભાઇ પટેલ  ચેમ્બરમાં હાજર હોવા  છતાં વેપારીઓ તેમને મળવાનું ટાળીને માત્ર સેક્રેટરીને મળીને  નીકળી ગયા હતા.

 

વેપારીઓએ  સેક્રેટરીને મળીને  જવાબો રજુ કર્યા

 

પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સરદાર પટેલ શાકમાર્કેટમાં કેટલીક દુકાનો સદંતર બંધ રહે છે  તે અંગે ત્રણ દિવસ સુધી સરવે  કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 92 દુકાનો પૈકી મોટા ભાગની 68 દુકાનો બંધ હતી અને માત્ર 24 દુકાનો ચાલુ જણાતા માર્કેટ કમિટી દ્વારા  બંધ રહેતી દુકાનોના વેપારીઓને નોટીસ ફટકારીને બંધ રહેતી દુકાનોનો કબજો પરત કેમ ન લેવો તેવો ખુલાસો પૂછતાં વેપારીઓ લાલઘૂમ થઇ ગયા છે. શનિવારે શાક માર્કેટના પ્રમુખ મંત્રી સહિતના 28 વેપારીઓએ કમિટીની ઓફિસે આવી સેક્રેટરી સામે લેખિતમાં ખૂલાસા રજુ કર્યા હતા.


આ અંગે શાકમાર્કેટ વેપારી એસોસિયેશનના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્કેટ કમિટીએ પહેલાં વેપારીઓ સાથે બેઠક કરી વેપારીઓને સાંભળવા જોઈએ  પણ તેમ ન કરતાં વેપારીઓની રજૂઆત જાણ્યા  વગર જ  નોટિસો આપી છે એટલે  વેપારીઓ નારાજ છે. વેપારીઓ ધંધો કરે છે, માર્કેટ ફી ભરે છે, નગર પાલિકાનો વેરો ભરે છે. તો પછી દુકાન ખાલી કરવાનો પ્રશ્ન  આવતો જ નથી છતાં વેપારીઓએ સેક્રેટરીને જવાબ આપી દીધા છે. ચેરમેનને ન મળવાનું કોઇ કારણ નથી પરંતુ સેક્રેટરીને જવાબ આપવાના હતા એટલે તેમને જવાબો રજૂ કરી નીકળ્યા હતા.

 

કમિટીની બોર્ડ બેઠકમાં યોગ્ય નિર્ણય કરાશે: ચેરમેન


જો કે, આ અંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દશરથભાઇ પટેલે જણાવ્યું હતું કે વેપારીઓના જવાબો બોર્ડમાં મુકવામાં આવશે. ત્યારબાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. આ દુકાનો પાછી લેવા કેમ વિચારાઇ રહ્યું છે તેવું પૂછતાં તે બંધ પડી રહેતી હોઇ વિચારણા હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...