પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, નવા એસટી ડેપો સહિત માર્ગો પર પાણી ભરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ: ઉત્તર ગુજરાતમાં ગુરૂવારે સાંજે 6 થી શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગુરૂવારે રાત્રે પાટણ, સિદ્ધપુર, સરસ્વતી અને હારિજ તાલુકાઓમાં એક ઇંચ  કે તેથી વધારે વરસાદ થયો હતો. તમામ તાલુકાઓમાં કયાંક સામાન્ય તો કયાંક સારો વરસાદ થયો હતો. ધનસુરા-સતલાસણામાં 6 ઇંચ જેટલા વરસાદ ખોબક્યો હતો. ઉપરાંત ઇડરમાં 36 કલાકમાં સાડા 4, ખેડબ્રહ્મામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.  સાબરકાંઠા- અરવલ્લીના જળાશયોમાં પાણીની આવક થઇ હતી.
મહેસાણા જિલ્લામાં  ખેરાલુમાં 2 ઇંચ, કડી અને ઊંઝામાં દોઢ-દોઢ ઇંચ, બહુચરાજીમાં સવા ઇંચ, મહેસાણા અને વિસનગરમાં પોણો ઇંચ તેમજ વડનગર અને વિજાપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.   જો કે, મહેસાણાના જોટાણા પંથક જ એવો રહ્યો હતો કે જ્યાં નોંધણી લાયક વરસાદ પડ્યો ન હતો.

 

શંખેશ્વર તાલુકાઓમાં 100 મીમી કરતાં ઓછો વરસાદ


 પાટણ શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ મહેર કરતાં વરસાદી માહોલ સર્જાયો છે અને મોડે મોડે પણ પાણી વરસતાં હવે ચોમાસું જામવાની અાશા બંધાઇ છે ત્યારે ગુરૂવારે રાત્રે પાટણ, સિદ્ધપુર, સરસ્વતી અને હારિજ તાલુકાઓમાં એક ઇંચ  કે તેથી વધારે વરસાદ થયો હતો. તમામ તાલુકાઓમાં કયાંક સામાન્ય તો કયાંક સારો વરસાદ થયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 206 મીમી વરસાદ સિદ્ધપુર તાલુકામાં જ્યારે સૌથી ઓછો 59 મીમી ચાણસ્મા તાલુકામાં નોંધાયો છે. સમી અને શંખેશ્વર તાલુકાઓમાં 100 મીમી કરતાં ઓછો વરસાદ થયો છે.

 

ધરોઇ ડેમમાં ગુરુવારે રાત્રે 3 વાગે પાણીની આવક શરૂ થઇ


ગુરુવારે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ધરોઇ ડેમમાં ગુરુવાર રાત્રે 3 વાગ્યાથી 15,278 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી.  જેને લઇ ડેમમાં પાણીની આવક પહેલાં 7077 એમસીએફટી જથ્થામાં 4 અબજ 10 કરોડ લિટર નવું પાણી ઉમેરાતાં ડેમમાં 7241 એમસીએફટી પાણીનો જથ્થો નોંધાયો હતો.

 

 

બિયારણની ખરીદી શરુ થઇ


વરસાદના પગલે પાટણ, હારિજ સહિત બિયારણની ખરીદી  શરુ થવા પામી હતી. ખાસ કરીને અડદ, મગ, જુવાર, તુવર, કઠોળ અને બાજરીની ખરીદી શરુ થઇ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...