રોડના કામમાં ભ્રષ્ટાચારની તપાસ નહી થાય તો તા.પં.સદસ્યની આત્મવિલોપનની ચીમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુર: રાધનપુર શહેરમાં છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી શહેરના મોટાભાગના રસ્તા બનાવવાની કામગીરી થઇ રહી છે. જેમાં ટેન્ડરમાં દર્શાવ્યા પ્રમાણેનું કામ ના થતું હોવાની અવાર-નવાર રજૂઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી થતી ન હોવાથી શુક્રવારે કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારી કચેરીએ ચંદ્રકાંતભાઈ જીવરાણીને આવેદનપત્ર આપીને જવાબદાર પદાધિકારીઓ સામે પગલાં લેવા  રજુઆત કરી  જો ત્રણ દિવસમાં કાર્યવાહી નહી કરાય તો  તાલુકા પંચાયતના સદસ્ય સુરેશભાઈ ઠાકોર પ્રાંત કચેરી આગળ આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ પરમાર,તાલુકા પંચાયતના સદસ્ય સુરેશભાઈ ઠાકોર, જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશભાઈ રાઠોડ,ઉસ્માનભાઈ વોરા,ગણેશભાઈ ઠાકોર સહિતે આવેદન પત્રમાં જણાવ્યા મુજબ રાધનપુર શહેરમાં લાલબાગ, નાગોરી વાસ, રાણાસરી, કુંભાર વાસ, ભોજક વાસ, ઊંઝીયાવાસ તથા અન્ય વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા આર.સી.સી.રોડના કામકાજ ચાલુ છે,જેમાં ક્વોલિટી તથા ટેન્ડર પ્રમાણે સામાન  વપરાતો નથી.ટેન્ડરની શરતોનું પાલન કરવામાં આવતું નથી.ટેન્ડરમાં ખોદકામ,પીસીસી,લેવલીંગ અને લોખંડની ખિલાસરીનો ઉલ્લેખ હોવા છતાંય કોઈપણ માલસામાનનો ઉપયોગ કરાતો નથી. શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ પરમારના જણાવ્યા મુજબ શહેરમાં બે મહિના પહેલા બનેલા આરસીસી રસ્તાઓ તૂટી જવા પામ્યા છે. આ બાબતે યોગ્ય તપાસ થવી જ જોઈએ.

 

કોઈ સાંભળે નહિ તો શું કરું ?


આત્મવિલોપનની ચીમકી આપનાર તાલુકા પંચાયતના સદસ્ય સુરેશભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ  રસ્તાઓના કામમાં ટેન્ડરમાં જણાવ્યા મુજબ દશ વખત રજૂઆત કરવા છતાંય કોઈ સાંભળે નહીં તો શું કરું.. આત્મવિલોપન જ કરું ને તેમ જણાવ્યું હતું.

 

અન્ય સમાચારો પણ છે...