• Gujarati News
  • કાંસામાં કાકાએ ભત્રીજાને રહેંસી નાંખ્યો

કાંસામાં કાકાએ ભત્રીજાને રહેંસી નાંખ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લાના કાંસા ગામે મંગળવારે સવારે નવા બોરનું ઉદ્ઘાટન કર્યા પછી કોઇ કારણસર બપોરના સમયે પિતરાઇ કાકાની ડાગળી ચસકી જતાં બોરની કુંડીમાં નાહી રહેલા ભત્રીજાને ઓરડીમાં લઇ જઇ કુહાડીના જીવલેણ ઘા માથામાં ઝીંકી દશ વર્ષના માસુમ બાળકને રહેસી નાંખતા ગામમાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાને પગલે ભારે દોડધામ સર્જાઇ હતી. જેમાં હત્યા કરીને ભાગેલા કાકાને પકડીને રૂમમાં પૂરી દઇ પોલીસ આવતાં તેને હવાલે કરી દેવાયો હતો. આ અંગે વાગડોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સરસ્વતી તાલુકાના કાંસા ગામે રમાજી રામચંદજી ઠાકોર અને ઉદાજી ઠાકોરના પરીવારના બધા ભાઇઓએ મળીને સહીયારો ટ્યુબવેલ બનાવ્યો હતો અને મંગળવારે સવારે જ હર્ષોલ્લાસભેર તેનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં બધા ભાઇઓના સ્વજનો પોતપોતાના ઘરે ગયા હતા અને બાળકો બોરની કુંડીમાં નાહી રાા હતા તે સમયે રમાજી રામચંદજી ઠાકોર (૩૫) ત્યાં જઇ ચડયો હતો. બાળકોને ન્હાતા જોઇ દશ વર્ષના ભત્રીજા જોગાજી ઉદાજી ઠાકોરને બોરની ઓરડીમાં કપડાં લેવા મોકલી પાછળથી પોતે પણ ઓરડીમાં ગયો હતો અને કુહાડીના ઘા તેના માથામાં ઝીંકી દીધા હતા. જેમાં માસુમ જોગાજી લોહીલુહાણ હાલતમાં ત્યાંજ ઢળી પડયો હતો. મરણતોલ ઘા પડતાં જોરથી ચીસ પાડી હતી. દરમિયાન બારણુ આડુ કરીને રમાજી રામચંદજી ઘટનાસ્થળથી ભાગી છૂટયો હતો.
આ ઘટનાની જાણ બીજા બાળકોને થતાં તેઓ તરત દોડી આવ્યા હતા અને બીજા ખેતરમાં રહેતાં તેના કુટુંબીજનોને ખબર કરતાં સૌકોઇ દોડી આવ્યા હતા અને રમાજી ઠાકોરનો પીછો કરતાં સીમમાં આવેલા બીજા ખેતરમાં જઇ તેને પકડી લીધો હતો અને રૂમમાં પૂરી દઇ પોલીસને જાણ કરી હતી. બાદમાં વાગડોદ પોલીસ આવતાં તેને હવાલે કરી દીધો હતો.
બોરની ઓરડીમાં લોહીનું ખાબોચીયું ભરાઇ ગયું હતું લોહીલુહાણ કુહાડી જેના વડે મોત નીપજાવ્યું હતું. જયારે ભત્રીજાનું ઢીમ કાકાએ ઢાળી દેતાં પરીવારની મહિલાઓએ કલ્પાંત કરીમૂકયું હતું. (જેણાજી ઠાકોર)
ઘટનાનું કારણ સામે આવ્યું નથી
વાગડોદના ઇન્ચાર્જ પીએસઆઇ એ.ટી.પટેલે જણાવ્યું હતું કે, નવો બોર બનાવેલ છે જેમાં ઓરડીમાં સ્ટાટર્ર વગેરે ફીટ કરવાનું કામ ચાલતુ હતુ. જોકે, આ દરમિયાન આ ઘટના બનવા પામી છે. શા કારણથી ઘટના બની છે તે અંગે કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મૃતકની લાશનું પીએમ કરવા માટે મોડી સાંજે ધારપુર ખાતે લાવવામાં આવી હતી.