• Gujarati News
  • પાટણમાં મેઘા કેમ્પમાં 776 પશુઓને સારવાર અપાઇ

પાટણમાં મેઘા કેમ્પમાં 776 પશુઓને સારવાર અપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરના એમ.એન. હાઇસ્કૂલ મેદાનમાં સતત પાંચમા વર્ષે મુંબઇના જૈનશ્રેષ્ઠી દ્વારા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે રવિવારે મેઘા પશુ સારવાર કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં રોગથી પીડીત પશુના નાના-મોટા ઓપરેશન સહિત કુલ 776 પશુની કેમ્પમાં સારવાર કરાવી હતી.

મેદાન સંકુલમાં સવારથી પાટણ, ચાણસ્મા, રાધનપુર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી ઊંટ માલિકો તેમના ઊંટને રોગ પ્રતિકારક શક્તિ માટે ચક્રી વિરોધી અને ખસ વિરોધી રસી અપાવવા ઉમટ્યા હતા. જ્યાં 520 જેટલા ઊંટને રસીકરણના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. ઉપરાંત ગાય, ભેંસ બળદ, કૂતરા સહિત કુલ 256 જેટલા જાનવર, પશુની અત્રેના કેમ્પમાં સરકારી પશુ ચિકિત્સકો દ્વારા સારવાર કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પશુને શિંગડામાં કેન્સર જેવા મેજર સર્જરીના 6 કેસ નોંધાયા હતા.

જ્યારે પગમાં ટાંકા, ગુદાના ઓપરેશન અને ગાયનેકને લગતા બિમારીથી પીડાતા પશુઓની સર્જરી કરાઇ હતી.

અત્રે સોમીબેન બાબુભાઇ પ્રેરીત પશુ સારવાર કેમ્પમાં વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક જે.વી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વી.એન. દેસાઇ, જિલ્લા પશુપાલન અધિકારી એન.બી. ગઢવી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહી કેમ્પને પ્રોત્સાહન પૂરુ પાડ્યું હતું. મુંબઇથી સોમીબેનના પુત્ર ભરતભાઇ તેમજ ર્ડા. ધિરેનભાઇ અતુલભાઇ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

પાટણમાં મેઘા પશુ સારવાર કેમ્પમાં ચક્રી અને ખસ વિરોધી રસી માટે ઊંટોનો જમાવડો થયો હતો. (સુનિલ પટેલ)