તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડાવલી ત્રણ રસ્તા પાસેથી ૩૬ લાખનો વિદેશી દારૂ જપ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચાણસ્મા પોલીસ અને આરઆરસેલે બાતમી આધારે વોચ ગોઠવી ટ્રક ઝડપી : બે શખ્સોની અટકાયત કરી સળીયા પાછળ ધકેલાયા

ચાણસ્મા તાલુકાના વડાવલી ત્રણ રસ્તા પાસે પોલીસે બાતમી આધારે નાકાબંધી કરીને એક ટર્બો ટ્રકને અટકાવી તેમાંથી રૂપિયા ૩૬ લાખના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો તેમજ ડ્રાઇવર ક્લીનરની અટકાયત કરી પ્રોહિ‌બિશનએક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ચાણસ્મા ટાઉન અને આરઆરસેલ પોલીસને મળેલી બાતમીના આધારે ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યે વડાવલી ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. જેમાં બેચરાજી તરફથી આવતી ટર્બો ટ્રક (એચઆર-૬૯-૬૬૨) ઉભી રખાવી હતી અને તેની તલાસી લેતાં તેમાંથી જુદી જુદી માર્કાનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાથી પોલીસે ટ્રકના ચાલક અને ક્લીનર રાજપાલ ટેકરામ રાઠી ચૌધરી રહે. સોનીપત, હરીયાણા તેમજ સંદીપકુમાર ધરમલાલ જાટ ચૌધરી રહે. સોનીપતની અટકાયત કરી હતી.

આરઆરસેલના પીએસઆઇ રાણા, ચાણસ્મા પીઆઇ બી.જે.ચૌધરી, હાલાજી, નાથુજી, ભદ્રેશકુમારે છાપો મારી મોટો દારૂનો જથ્થો પકડવામાં સફળ રહ્યા હતા. ચાણસ્મા, મહેસાણા હાઇવે પરથી પરપ્રાંતિય દારૂ ભરીને ટ્રક પસાર થવાની હોવાની ખાનગી બાતમી આરઆરસેલ અને ચાણસ્મા પોલીસને મળતાં ખાનગી વોચ ગોઠવી ટ્રક આવતાં તલાસી લેતાં તેમાંથી ૮૮૭ પેટી કિ.રૂ. ૩૬ લાખનો વિદેશી દારૂ તેમજ ટ્રક મળી કુલ રૂ. ૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે બંને આરોપીઓને જેલમાં ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ માંગવામાં આવશે તેમ પીઆઇ ભરતભાઇ ચૌધરીએ જણાવ્યું હતું.