તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ આરટીઓ કચેરીમાં ૨૦૦૦ સ્માર્ટકાર્ડ અટવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એજન્સી મારફતે સ્માર્ટકાર્ડનો જથ્થો ન આવતાં તંત્ર લાચાર
- વાહન ચેકીંગમાં પોલીસ લાયસન્સ માગે છે પણ બતાવવું શું?


પાટણ આરટીઓ કચેરીમાં છેલ્લા એક માસથી ડ્રાઇવીંગ લાયસન્સ સ્માર્ટકાર્ડ ખૂટી પડતાં ર૦૦૦ જેટલા અરજદારોના લાયસન્સ કચેરીમાં જ પેન્ડીંગ પડયાં છે. લાંબા સમયથી અરજદારો સુધી લાયસન્સ પહોંચતાં ન હોવાથી અરજદારો કચેરીમાં ધક્કા ખાવા લાગ્યાં છે અને લાયસન્સની રાહ જોઇ રહ્યાં છે.

પાટણ આરટીઓ કચેરીમાં રોજના ૭૦થી ૮૦ વ્યક્તિઓ ડ્રાઇવીંગ લાયસન્સ માટે આવે છે. પરંતુ છેલ્લા એકાદ માસથી ડ્રાઇવીંગ લાયસન્સ માટે સ્માર્ટકાર્ડ કચેરીમાં નથી. તંત્ર અરજદારોને લાયસન્સ ઇસ્યુ કરી શકતુ નથી. જેથી ર૦૦૦ જેટલા સ્માર્ટકાર્ડ કચેરીમાં જ પેન્ડીંગ પડયાં છે અને રોજેરોજ પેન્ડીંગમાં વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ પોલીસ દ્વારા સતત વાહન ચેકીંગ ચાલતુ હોવાથી વાહનચાલક પાસે પોલીસ લાયસન્સ માગે છે ત્યારે પોલીસને શું બતાવવું તેજ અરજદારો માટે મોટો સવાલ ઉભો થયો છે.

આરટીઓ કચેરી સમયસર ખર્ચ બિલ પોસ્ટને આપતી નથી

પોસ્ટ માસ્તર બાબુભાઇ પંચાલે જણાવ્યું હતું કે, આરટીઓ કચેરી દ્વારા પોસ્ટમાં સ્માર્ટકાર્ડ આપ્યાના ચાર દિવસમાં સ્પીડ પોસ્ટથી અરજદાર સુધી લાયસન્સ પહોચી જાય છે. પરંતુ આરટીઓ કચેરી સ્પીડ પોસ્ટના ખર્ચનું બિલ સમયસર ચૂકવતી નથી.

ખૂદ તંત્ર જ લાચાર છે
સરકારે લાયસન્સ સ્માર્ટકાર્ડ માટે ચેન્નઇની કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે. તે કંપની એજન્સી તરીકે કોરા સ્માર્ટકાર્ડ સ્ટોક પૂરો પાડવાનું કામ કરે છે. કંપની કોરા સ્માર્ટકાર્ડ ગાંધીનગર મોકલાવે છે અને ત્યાંથી આરટીઓ કચેરીઓમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. પરંતુ કંપનીએ એક માસથી કાર્ડ મોકલાવ્યા ન હોવાથી તંત્ર જ લાચારીની સ્થિતિમાં મૂકાયું છે.

અરજદારને પોસ્ટ મારફતે ૧પ દિવસે લાયસન્સ પહોંચતું હોવાનો સૂર

આરટીઓ કચેરીમાંથી સૂત્રોએ જણાવ્યું હતું કે, આરટીઓ કચેરી દ્વારા લાયસન્સ ગ્રાહક સુધી પહોંચાડવા માટે પોસ્ટને આપ્યા બાદ પંદરેક દિવસે સ્માર્ટકાર્ડ અરજદારને મળતું હોવાની ઘટનાઓ ધ્યાને આવે છે. લાંબા સમય સુધી અરજદારો સુધી સ્માર્ટકાર્ડ સમયસર પહોંચતું ન હોવાથી છેક રાધનપુર-સાંતલપુરના અરજદારો પાટણ સુધી કચેરીમાં પૂછપરછ માટે આવતાં હોય છે.

સ્માર્ટકાર્ડ આવ્યા ન હોવાથી કમિશ્નરને રજૂઆત કરાઇ : આરટીઓ ઇન્સપેક્ટર

કંપનીએ કાર્ડ આપ્યા ન હોવાથી એક માસના ર૦૦૦ આસપાસ સ્માર્ટકાર્ડ ડ્રાઇવીંગ લાયસન્સ પેન્ડીંગ છે. પોસ્ટની ડિલિવરી સેવા પણ બરાબર નથી. આ તમામ બાબતોની ગાંધીનગર ખાતે આરટીઓ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.
- ઘનશ્યામભાઇ પટેલ (ઇન્સપેક્ટર, આરટીઓ-પાટણ)