સપ્તાહના ઉતાર-ચઢાવ બાદ ઘઉંના ભાવ પ૦૦ની સપાટીએ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર માર્કેટયાર્ડમાં ૯૦૦ બોરીની આવક, સારી ક્વોલિટીના ઘઉંના ઊંચા ભાવ પડયા

વિસનગર માર્કેટયાર્ડમાં ઘઉંની આવકમાં ઉત્તરોત્તર વધારો થતાં છેલ્લા સપ્તાહમાં ઉતાર ચઢાવ બાદ ભાવે પુન: પ૦૦ની સપાટી વટાવી દીધી છે. જ્યારે માર્કેટમાં મંગળવારે ઘઉંની ૯૦૦ બોરીની આવક નોંધાઇ હતી. જોકે, માર્કેટ કમિટી દ્વારા સારી ક્વોલિટીના ઘઉંના ભાવમાં વધારો નોંધાયો હોવાનું જણાવ્યું હતું.

વિસનગર માર્કેટયાર્ડમાં ઉત્તર ગુજરાતના ૧૮ જેટલા તાલુકામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવે છે. ઘઉંના ભાવમાં છેલ્લા સપ્તાહમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. જેમાં ગત ૨૧મી મેના રોજ ભાવ પ૦૦ રૂપિયા પહોંચી ગયા બાદ પુન: નીચા જોવા મળ્યા હતા. સપ્તાહના ઉતાર ચઢાવ બાદ મંગળવારે ભાવ પ૦૦ની સપાટી વટાવી ગયા હતા. જેના કારણે ખેડૂતોમાં હર્ષ વ્યાપી ગયો હતો. જ્યારે મંગળવારે માર્કેટયાર્ડમાં ભાવ રૂ.૩૦૦થી પ૦૬ સુધીના બોલાયા હતા. ઘઉંની આવક ૪પ હજાર મણ નોંધાઇ હતી. છેલ્લા સપ્તાહમાં ૭૦૦થી ૯૦૦ બોરીની સરેરાશ આવક જોવા મળી હતી.

આ અંગે માર્કેટ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં ઘઉંની સિઝન હોઇ આવકમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જેમાં સારા માલની અછત હોવાને કારણે બજારમાં સારા ઘઉંના ભાવમાં વધારો જોવા મળે છે. છેલ્લા સપ્તાહમાં ભાવમાં ઉત્તરોત્તર વધારો જોવા મળતાં ખેડૂતો પણ ખુશ છે.

સપ્તાહમાં ભાવ
તા.૨૧ ૪૧૪.પ૦
તા.૨૨ ૨૯૦-પ૦૦
તા.૨૩ ૨૯૦-૪૦૨
તા.૨૪ ૨૯૦-૪૬૭
તા.૨પ ૨૯૦-૪પપ
તા.૨૭ ૩૦૦-૪૩૬
તા.૨૮ ૩૦૦-પ૦૬