તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા: રસ્તા પરથી ઢોર હટાવો : હાઈકોર્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આદેશ : શહેરીજનો માટે શીરદર્દ બનેલી રખડતાં ઢોરની સમસ્યાનો મહિનામાં ઉકેલ લાવવા પાલિકાને હુકમ
- મહેસાણાના જાગૃત નાગરિક ટ્રસ્ટે રખડતાં ઢોર મામલે જાહેરહિતની અરજી કરી હતી

મહેસાણા: શહેરમાં રખડતાં ઢોર હાઈવે સહિત જાહેર માર્ગો પર અડિંગા જમાવી દેતાં લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ અંગે એક સંસ્થાએ હાઈકોર્ટમાં કરેલી જાહેર હિતની અરજીમાં કોર્ટે નગરપાલિકાને એક માસમાં રખડતાં ઢોરને માર્ગો પર આવતાં અટકાવી તેમને સાચવવાનો આદેશ કર્યો છે. મહેસાણા શહેરમાં હાઈવે, મોઢેરા રોડ, રાધનપુર રોડ, સ્ટેશન રોડ, રાજમહેલ રોડ સહિત જાહેર માર્ગો તેમજ મુખ્ય બજારોમાં પણ રખડતાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. જાહેર માર્ગો પર રસ્તા પર જ ઢોર અડિંગા જમાવી દેતા હોઈ વાહનચાલકોને માંડ માંડ પસાર થવું પડે છે અને ક્યારેક અચાનક ઢોર ઊભું થઈને વાહન સાથે અથડાય તો અકસ્માત પણ સર્જાતા હોય છે.

ઉપરાંત શાકભાજી લેવા જતી મહિલાઓ તેમજ સાયકલ લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ રખડતાં ઢોરની અડફેટે આવી જતાં ઈજાગ્રસ્ત થતા હોય છે ત્યારે પાલિકા દ્વારા કોઈ ઠોસ પગલાં ન લેવાતાં આ બાબતે શહેરીજનોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ બાબતે મહેસાણાના જાગૃત નાગરિક ટ્રસ્ટે એડવોકેટ કમલેશ કોટાઈ મારફત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. જેમાં કોર્ટના એક્ટીંગ ચીફ જસ્ટીસ વી.એમ.સહાય અને જસ્ટીસ આર.પી.ધોલરીયાની ખંડપીઠે મહેસાણા નગરપાલિકાને એક મહિનાના સમયમાં રખડતાં ઢોરને માર્ગો પર આવતાં અટકાવવા યોગ્ય પગલાં લેવાનો તેમજ ઢોરના આરોગ્યની જાળવણી કરવાનો આદેશ કર્યો છે.

નગરપાલિકાને કહ્યું, રખડતાં ઢોર માટે યોગ્ય પગલાં લો અને તેના આરોગ્યની જાળવણી કરો
પકડેલાં ઢોર લેવા કોઈ તૈયાર નથી : સીઓ

આ બાબતે ચીફ ઓફિસર રમેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, પાલિકા 20 દિવસ પહેલાં 100 રખડતાં ઢોર પકડ્યાં છે અને ડબો ભરાઈ ગયો છે. તે ઢોર આસપાસની પાંજરાપોળ પણ લેવા તૈયાર નથી. પહેલાં ડીસા પાંજરાપોળમાં મોકલતા હતા તે પણ હવે પૈસા વગર લેવા તૈયાર નથી. પકડેલાં ઢોરની સાચવણીની વિકટ સમસ્યા હોઈ વધુ ઢોર પકડવાની કાર્યવાહી થઈ શકતી નથી. કોઈ સંસ્થા ઢોર સાચવવામાં મદદરૂપ થાય તો આગામી દિવસોમાં બીજાં ઢોર પકડી શકાય.

પાલિકા પાસે ઢોર ડબો અને પાંજરું પણ છે

ગત વર્ષે નગરપાલિકાના ઢોર ડબાનું સમારકામ ચાલતું હતું તેમજ ઢોર પકડવાનું પાંજરું પણ ન હોવાનું બહાનું પાલિકા દ્વારા આગળ ધરાતું હતું. જો કે, હવે તો પાલિકાનો ઢોર ડબો પણ તૈયાર છે અને ઢોર પકડવાનું નવું પાંજરું પણ પાલિકાએ વસાવી લીધું છે.