મહેસાણામાંથી તોડ કરતો બનાવટી પીઆઇ ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિ‌લાને લોહીનો ધંધો કરતી હોવાનુ કહી રૂ. ૧૦ હજારની માગણી કરી હતી
રૂ.૨પ૦૦ જેટલી રકમ લીધા બાદ બાકીની રકમ માટે રોફ જમાવતો હતો


મહેસાણાની મહિ‌લા સામે પીઆઇનો રોફ જમાવી તુ લોહીનો ધંધો કરે છે તેમ કરી હપ્તા પેટે રૂ. ૧૦ હજારની માગણી કરી પરેશાન કરતાં બનાવટી પીઆઇને ગુરુવારે સાંજે શહેર એ ડિવીઝન પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના નર્સરી પટેલની માઢમાં રહેતા રમેશભાઇ હસમુખભાઇ સોલંકીની પત્ની ગુરુવારે બપોરે ઘરે હાજર હતા તે સમયે તેમના ઘરે આવી પહોંચેલા શખ્સે પોતે પીઆઇ બ્રહ્મભટ્ટ હોવાનું કહી તમે ઘરમાં લોહીનો ધંધો કરો છો એટેલે હપ્તો આપવો પડશે તેમ કહી રૂ. ૧૦હજારની માગણી કરી હતી. તેમજ પોતે દર મહિ‌ને તેમના ઘરે આવી ૧૦હજાર હપ્તા પેટે લઇ જશે તેવી ધાક જમાવી હતી. તેમજ બનાવટી પીઆઇએ સરકારી ગાડી બોલાવુ કે પછી બાઇક ઉપર બેસી જાય છે તેમ કહી પોતાની સાથે બાઇક ઉપર ડેરી રોડ ઉપર લઇ ગયો હતો અને અહીં તેની પાસેથી રૂ.૨પ૦૦ જેટલી રકમ લઇ તેના ઘરેણા કઢાવવા પ્રયાસ કર્યો હતો. જો કે, મહિ‌લાએ દાગીના ખોટા હોવાનુ કહેતાં તે ચાલ્યો ગયો હતો. ત્યારબાદ સાંજે પુન: આ શખ્સનો ફોન આવતા મહિ‌લાએ નરેન્દ્રભાઇ બારોટને ઘટનાની જાણ કરી હતી. આથી તેઓએ શહેર એ ડિવિઝન પીઆઇ રાકેશ પટેલને સમગ્ર ઘટનાથી માહિ‌તગાર કર્યા હતા.

જે અંતર્ગત સાંજે સાડા આઠ વાગે રાબેતા મુજબ બનાવટી પીઆઇએ ફોન કરીને પોલીસ સ્ટેશન આવી જવા કહયું હતું અને પોતે નજીકના શેરડીના કોલા નજીક ઊભો રહેશે તેવુ જણાવ્યું હતું. આ દરમિયાન મહિ‌લાએ આપેલી માહિ‌તીને આધારે પીઆઇ રાકેશ પટેલના માર્ગદર્શન હેઠળ પો.કો. શૈલેષભાઇ રબારી, સુરેશભાઇ પરમાર, જયેશભાઇ રાયકા તેમજ રોનકભાઇ જાનીએ તેને ડબોચી લીધો હતો. પૂછપરછ દરમિયાન તે ગુંજા પોલીસ પુત્ર હોવાનો રોફ જમાવ્યો હતો. જો કે, શહેર પોલીસે આ અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.