• Gujarati News
  • The Duty Of A Medical Bill For The Loser Eesaaine Buffeting

ફરજ દરમિયાન એક હાથ ગુમાવનાર એએસઆઇને મેડિકલ બિલ માટે ધક્કા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બે વર્ષ અગાઉ આદુંદરામાં હુમલાખોરનો સામનો કરતાં હાથ કપાઇ ગયો હતો
મહેસાણાથી પાસ થયેલું મેડિકલ બિલ ગૃહવિભાગમાં અટવાયું


બે વર્ષ અગાઉ આદુંદરામાં વિફરેલા હુમલાખોરથી ગ્રામજનોને બચાવવા જતાં એક હાથ ગુમાવનાર એએસઆઇ અમૃતજી વેલાજી ઠાકોરે આજે મેડિકલ બિલ માટે વલખાં મારી રહ્યા છે. આર્થિ‌ક ભીડ વચ્ચે મેડિકલ બિલ મેળવવા અમદાવાદ તેમજ ગાંધીનગરના ધક્કા ખાઇ રહેલા એએસઆઇ આજે દયનીય પરિસ્થિતિમાં મુકાયા છે. જોકે, એક હાથ ગુમાવ્યા પછી પણ તેઓની ફરજનિષ્ઠા અકબંધ છે.

મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ અમૃતજી વેલાજી ઠાકોરે બે વર્ષ અગાઉ કડીના આદુંદરા ગામે ખુલ્લી તલવારથી બે વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચાડનાર હુમલાખોરનો સામનો કરતાં પોતાનો ડાબો હાથ ગુમાવ્યો હતો. એક હાથે ફરજ કેવી રીતે બજાવવી તે અમૃતજી માટે ચિંતાનો વિષય બન્યો હતો. જોકે, પોલીસવડા તેમજ શહેર પીઆઇએ તેમને બિરદાવી ફરજ પર કાર્યરત રહેવા પ્રોત્સાહિ‌ત કર્યા છે ત્યારે ઘટનાના બે વર્ષ બાદ પણ તેઓ મેડિકલ બિલ માટે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છે. જુવાન પુત્ર-પુત્રી સાથેના પરિવારની જવાબદારી અને આર્થિ‌ક ભીડ વચ્ચે પિસાતા એએસઆઇ કહે છે કે, મેડિકલનો રૂ.૩.૧પ લાખ જેટલો ખર્ચ લેવા જતાં અત્યાર સુધીમાં એક લાખથી વધુનો ખર્ચ કરી નાખ્યો છે, છતાં પરિણામ મળ્યું નથી.

હાથ ભૂલી જવાની ભૂલ ભારે પડી
હુમલાખોરે તલવારનો ઝાટકો મારતાં જ કપાઇને જમીન પર પડેલો કોણીથી નીચેનો હાથ લેવા પણ ન રોકાયેલી પોલીસ માટે અમૃતજીનો જીવ કિંમતી હતો. જોકે, દવાખાને પહોંચ્યા બાદ તબીબે હાથ અંગે પૂછતાં જ ચોંકી ગયેલી પોલીસ પાંચ કલાક બાદ હાથ લાવી, પરંતુ તેનું સફળ ઓપરેશન થઇ શક્યું ન હતું.

રાજ્યનો પોલીસ વિભાગ પડખે નહીં હોવાનો અફસોસ
પ્રથમથી ડાબે હાથે લખવા સહિ‌તનું કામ કરતા અમૃતજી માટે આ હાથ ગુમાવવો ભારે પડી ગયો છે. આજે જમણા હાથે કંઇ લખવું તેમના માટે મુશ્કેલ છે, છતાં પોલીસ અધિકારીઓના પ્રોત્સાહનથી ફરજ બજાવી રહ્યા છે. ત્યારે મેડિકલ બિલની રકમ નહીં ચૂકવનાર રાજ્યના પોલીસ વિભાગ સામે તેઓની નારાજગી જોવા મળી રહી છે.


સીધી વાત- જે.આર.મોથલિયા
જિલ્લા પોલીસવડા, મહેસાણા

એએસઆઇ અમૃતજી ઠાકોર મેડિકલ બિલ માટે ફરી રહ્યા છે તે જાણો છો ?

હા જાણું છું
તેઓને બિલ કયારે મળશે ?
જેટલું બને એટલું ઝડપી મેડિકલ બિલ તેમને મળી રહે તેવો પ્રયાસ કરાશે.
અટવાયેલા મેડિકલ બિલ માટે આપે શું કર્યું ?
તેઓનું બિલ કયાં અટવાયું છે તે જોવું પડશે. મોટેભાગે ડીજી ઓફિસમાં તેઓની ફાઇલ ગઇ છે, છતાં ચકાસણી કરીશું.