પાલનપુરમાં મહિલા તલાટીના આપઘાતથી ચકચાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારી વસાહતના કવાટર્સમાં દુપટ્ટાથી પંખા સાથે લટકી જીવન ટૂંકાવ્યું : મૃતક શહેરના કસ્બા કચેરીમાં ફરજ બજાવતાં હતાં

પોલીસે સુસાઇડ નોટસ કબજે લીધી

પાલનપુર ખાતે કસ્બા તલાટીની કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા એક મહિલા કર્મીએ ગુરુવારે બપોરના સમયે તેમને ફાળવાયેલા સરકારી કવાટર્સમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. દરમિયાન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં સુસાઇડ નોટસ કબજે લેવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

અમદાવાદ દાણીલીમડાના નિલમબેન હસમુખભાઇ વણકર(ઉ.વ.૨૩) પાલનપુર કસ્બા તલાટીની કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવે છે. દરમિયાન ગુરુવારે સવારે દસથી સાંજના પાંચ કલાક દરમિયાન સરકારી વસાહતમાં ફાળવાયેલા કવાટર્સમાં નિલમ બહેને અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે તેણીના પિતા દાણીલીમડા અમદાવાદના હસમુખભાઇ કાળીદાસ વણકરે પોલીસ મથકે જાણ કરી હતી. આથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ કરી નિલમબહેનના મૃતદેહને તેમના વાલી વારસોને સોંેપવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માતે પોતાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદથી અપડાઉન કરતા હતા
મૃતક નિલમબહેન સરકારી વસાહતમાં ‘ કે ’ બ્લોકના મકાન નંબર ત્રણમાં એકલા રહેતા હતા. આ અંગે વિગતમાં તેમના પડોશીઓએ જણાવ્યું હતું કે નિલમબહેન ખુબજ ઓછા બોલા અને સ્વભાવે માયાળુ હતા. તેણી એક સપ્તાહથી અમદાવાદ થી પાલનપુર કાયમી અપડાઉન કરતા હતા.

એક સપ્તાહથી ચૂંટણી અંગેની કામગીરી સોંપાઇ હતી
નિલમબહેન પાલનપુર કસ્બા તલાટીની કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવતા હતા. જેમને એક સપ્તાહથી પાલનપુર મામલતદાર કચેરીમાં ચૂંટણી અંગેની કામગીરી સોંપવામાં આવી હતી. જોકે, ગુરુવારે તેઓ ફરજ ઉપર ગેરહાજર હતા તેમ મામલતદાર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વાસઘાત થતાં આપઘાતનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
મહિલાના મૃતદેહ નજીકની એક સુસાઇડ નોટસ મળી આવી છે. જેમાં ‘વિશ્વાસઘાત થયો હોવાથી આપઘાત કર્યો છે. અને માતા-પિતાને હેરાન ન કરવા તેવો ઉલ્લેખ છે.આ નોટ્સ કબજે લઇ તેના આધારે વધુ તપાસ હાથ ધરાઇ છે. : આર.કે.પટેલ (પી.આઇ., પશ્ચિમ પોલીસ મથક, પાલનપુર)

બારણું તોડી મૃતદેહ બહાર નીકાળાયો
મહિલા તલાટી ફરજ ઉપર ગેરહાજર રહેતા તેમજ તેમનો કોઇ સંપર્ક ન થતાં સહકર્મચારીઓ સરકારી વસાહત સ્થિત નિવાસ સ્થાને આવ્યા હતા. જ્યાં દરવાજો અંદરથી બંધ હોઇ તેમજ કોઇ પ્રત્યુત્તર મળતો ન હોવાથી કંઇક અજુગતુ બન્યું હોવાની આશંકાએ પોલીસને જાણ કરવામાં આવી હતી. અને દરવાજો તોડી અંદર પ્રવેશ કરતાં નિલમબહેનનો ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવ્યો હતો.


પાલનપુરમાં યુવકના આપઘાત બાદ સુસાઇડ નોટસના આક્ષેપો આધારે ફરિયાદ
પાલનપુર ખાતે અશોક સોસાયટીમાં રહેતા પરેશકુમાર ગણેશભાઇ વણકરે બુધવારે પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. દરમિયાન તેની પાસેથી મળેલી સુસાઇડ નોટના આધારે શુક્રવારે મૃતક યુવકની માતા કાશીબેન ગણેશભાઇ વણકરે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે પરેશકુમારના લગ્ન વડગામ તાલુકાના મેમદપુર ગામે અગાઉ સંગીતાબહેન સાથે થયા હતા. જોકે દોઢ વર્ષ અગાઉ સંગીતાબેનનું મૃત્યુ થયું હતું. આ અંગે તેણીના સાસરીયાંએ પરેશભાઇ ઉપર કેસ કર્યો હતો. જે કેસ કોર્ટમાં ચાલતો હતો. દરમિયાન પરેશભાઇએ તેમના સસરા બાબુભાઇ ભીખાભાઇ પરમાર અને કાકા સસરા જેઠાભાઇ ભીખાભાઇ પરમારના ત્રાસથી આપઘાત કર્યો છે. આ ફરિયાદના આધારે પીએસઓ રૂપાભાઇએ ગુનો નોંધ્યો હતો. જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરના મહિલા કર્મચારીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરતાં સરકારી વસાહતના તેણીના નિવાસ સ્થાન તેમજ કસ્બા તલાટીની કચેરીમાં સહકર્મચારીઓમાં આઘાતની લાગણી પ્રસરી હતી.- અંકિત વ્યાસ