મહેસાણાઃ ગરમીના કારણે કડીમાં વૃદ્ધનું મોત, પારો ૪પ ડિગ્રી સેલ્શિયસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર સહિ‌ત જિલ્લામાં હીટ વેવનું મોજુ: પારો ૪પ ડિગ્રી સેલ્શિયસ

શહેર સહિ‌ત જિલ્લામાં છેલ્લા સપ્તાહથી જોવા મળી રહેલ ગરમીનું મોજુ બુધવારે પણ અસહ્ય બની રહ્યું હતું. બફારાને લીધે સવારથી જ આકરૂ થઇ પડયું હતું અને બપોરે તો ગરમીનો પારો ૪પ ડિગ્રી સેલ્શિયસે પહોંચતાં જિલ્લાવાસીઓ કફોડી હાલતમાં મુકાયા હતા ત્યારે કાળઝાર ગરમીના કારણે કડીમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. હીટ વેવનું મોજુ શહેર સહિ‌ત જિલ્લાવાસીઓને રીતસરનું દઝાડી રહ્યું છે. મંગળવારના ૪૪.૮ ડિગ્રી સેલ્શિયસ બાદ પારો બુધવારે વધુ ઉપર જતાં ૪પ ડિગ્રી સે. નોંધાયો હતો. જેને પગલે દિવસભર અસહ્ય ગરમી અનુભવાઇ હતી. શરીર બાળતા આકરા તાપને લીધે બપોરના સમયે તો શહેરના બજાર સહિ‌તના રસ્તા સૂમસામ બન્યા હતા.
બપોરના સીધા તડકાની અસર સાંજે પણ ઓસરી ન હતી મોડી સાંજ સુધી અસહ્ય ગરમી અનુભવાઇ હતી. તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહેલા હીટ વેવની અસર આગામી દિવસોમાં ઓછી થવાની સંભાવના છે. ગુરૂવારે ગરમીનો પારો એકાદ ડિગ્રી નીચે આવે એવી શક્યતા હવામાન ખાતાના સુત્રોએ વ્યક્ત કરી હતી.

બુધવારે વીરમગામના વતની ૭૦ વર્ષિ‌ય ચતુરભાઈ મેલાભાઈ અમદાવાદથી કડી આવેલી બસમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેમનું ગરમીના કારણે એટેકથી મોત થયાની આશંકા સેવાઈ રહી છે. જો કે, વૃદ્ધના પરિવારજનો તાત્કાલિક તેમની લાશને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા. કડી શહેરના પટેલ ભુવન અને હાઈવે ચાર રસ્તા પરથી એક અજાણી વૃદ્ધ સ્ત્રી અને એક અજાણ્યો વૃદ્ધ પુરૂષ ગરમીના કારણે બેભાન થઈ ગયેલી હાલતમાં મળી આવતાં સ્થાનિક સિવિલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. કડી સરકારી હોસ્પિટલના ડૉ.ત્યાગીએ આ વૃદ્ધોની બેહોંશીનું કારણ ગરમી પણ હોઈ શકે તેમ કહીં યોગ્ય તપાસ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાય તેમ જણાવ્યું હતું.