• Gujarati News
  • Subject Mathematics Paper With Group 'A' Of Pariksarthioni Test

ગણિત વિષયના પેપર સાથે ગ્રુપ 'એ’ના પરીક્ષાર્થીઓની કસોટી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શનિવારે ધો.૧૦ની ર્બોડની પરીક્ષા પૂર્ણ થઇ છે, ત્યાં સોમવારથી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થશે. જિલ્લામાં છ પરીક્ષા કેન્દ્રોના પર આ પરીક્ષા લેવાશે. સોમવારે ગણિત વિષયના પેપર સાથે ગ્રુપ એના પરીક્ષાર્થીઓની કસોટીનો પ્રારંભ થશે. જેમાં ૩૮૯૪ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.

જિલ્લામાં ગત ૭મી માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ થઇ હતી. જેમાં શનિવારે હિ‌ન્દી, સંસ્કૃત સહિ‌ત દ્વિતીય ભાષાના પેપર સાથે ધો.૧૦ની પરીક્ષા સમાપ્ત થઇ છે. તો ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ પૂર્ણતાના આરે છે. દરમિયાન સોમવારથી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરની ર્બોડની પરીક્ષાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય એ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પોલીસ બંદોબસ્ત સહિ‌ત સઘન આયોજન કરાયું છે.

પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી આવકારાશે
પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી મોં ગળ્યું કરી આવકારાશે. સવારે ૧૦-૩૦ કલાકે શરૂ થનાર પરીક્ષામાં પ્રથમ દિવસે અડધા કલાક પૂર્વે પરીક્ષાખંડમાં પ્રવેશ આપી દેવાશે. જિલ્લામાં મહેસાણા, કડી, પિલવાઇ, વિજાપુર, વિસનગર અને ઊંઝા મળી છ કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે. સોમવારે ગણિત વિષયના પેપર સાથે ગ્રુપ એના પરીક્ષાર્થીઓની કસોટી થશે. ચોથા સેમેસ્ટરની પરીક્ષા ૨૩ માર્ચ સુધી ચાલશે.
ગેરરીતિનો એક પણ કેસ નહીં
જિલ્લામાં ૭મી માર્ચથી શરૂ થયેલી ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ધો.૧૦ની પરીક્ષા પૂર્ણ થઇ છે અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ પૂરી થવા આવી છે ત્યારે જિલ્લામાં અત્યાર સુધી ગેરરીતિનો કોઇ કેસ નોંધાયો નથી.

પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા સ્ક્ર્વોડની ૧૦ ટીમો
વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ગેરરીતિ ના થાય એ માટે સ્ક્ર્વોડની ટીમોને વધુ સતર્ક રહેવા તાકીદ કરાઇ છે. જિલ્લામાં સ્થાનિક પ તથા વિજિલન્સની પ મળી ૧૦ સ્ક્ર્વોડની ટીમો ખડેપગે રહેશે. ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી, ઝોનલ સહિ‌ત અન્ય અધિકારીઓની ટીમો પરીક્ષા સ્થળોનું નિરીક્ષણ કરશે.

મહેસાણા કેન્દ્રમાં વધુ પરીક્ષાર્થી
જિલ્લામાં છ કેન્દ્રો પર લેવાનાર પરીક્ષામાં પ્રથમ દિવસે સૌથી વધુ મહેસાણા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ નોંધાયા છે. ગ્રુપ-એના ગણિતના પેપરમાં કડી કેન્દ્રમાં ૬૬૮, મહેસાણામાં ૧પ૦પ, પિલવાઇમાં ૨૦૭, વિજાપુરમાં ૨૯૨, વિસનગરમાં ૧૦૭૩ તથા ઊંઝા કેન્દ્રમાં ૧૪૯ મળી કુલ ૩૮૯૪ પરીક્ષાર્થી નોંધાયા છે.

વિજાપુરમાં નવું કેન્દ્ર
જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા મહેસાણા, કડી, પિલવાઇ, વિસનગર અને ઊંઝા મળી પાંચ કેન્દ્રો પર લેવાતી હતી. જોકે પિલવાઇ કેન્દ્રમાં પરીક્ષાર્થીઓનું ભારણ વધતાં તથા પરીક્ષાર્થીઓને અનુકૂળતા રહે એ હેતુસર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ચાલુ વર્ષે વિજાપુર ખાતે નવું કેન્દ્ર ઊભું કરાયું છે. પ્રથમ વખતે અહીં લેવાનાર પરીક્ષામાં ગણિત વિષયમાં ૨૯૨ પરીક્ષાર્થી નોંધાયા છે.

ગેરરીતિ સામે કડકાઇ રખાશે
જિલ્લા શિક્ષણાધિકારી એ.કે.રાઠોડે કહ્યું હતું કે, સોમવારથી શરૂ થઇ રહેલી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ગેરરીતિ સામે કકડાઇ રખાશે. ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષાર્થીઓને પરીક્ષાખંડમાં જતા પૂર્વે ચકાસવામાં આવશે. ઉપરાંત, સ્ક્ર્વોડની ટીમો સતત પરીક્ષાનું નિરીક્ષણ કરશે.