મહેસાણા: ઘઉંની વાવણી શરૂ, પણ વાવેતર ઘટશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળો બરોબર ન જામતાં ઘણા ખેડૂતો હજુ ઠંડી પડવાની રાહ જોઇ રહ્યા છે
ગત વર્ષે જિલ્લામાં ઘઉંનું 90157 હેક્ટરમાં વાવેતર થયું હતું
મહેસાણા: વરસાદ બાદ ઠંડી પણ ખેંચાતાં ખેડૂતોની ચિંતા વધી છે. નવેમ્બર માસ અડધો વીતી ગયો છે છતાં ઠંડીનો માહોલ બરોબર ન જામતાં શિયાળું ખેતીને લઇને ખેડૂતો ચિંતિત બન્યા છે. જિલ્લામાં ઘઉંની વાવણીનો પ્રારંભ થયો છે. પરંતુ ગત વર્ષની સાપક્ષેમાં વાવેતર ઘટે એવી દહેશત સર્જાઇ છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાતાં ચોમાસું વાવેતર પણ મોડું પડ્યું હતું. આ સંજોગોમાં શિયાળાની સિઝન પણ પાછી ધકેલાતાં ખેડૂતોની ચિંતા વધવા પામી છે.
નવેમ્બર માસ અડધો થવા છતાં ઠંડીનો માહોલ ન જામતાં રવિ વાવેતર સામે સવાલ ઉભા થવા પામ્યા છે. જેમાં શિયાળું મુખ્ય પાક ઘઉં સામે ચિંતાના વાદળો છવાયા છે. ગત વર્ષે જિલ્લામાં રવિ સિઝનમાં કુલ 201842 હેક્ટર વાવેતર થયું હતું. જેમાં ઘઉંનું વાવેતર 90157 હેક્ટર થયું હતું. પરંતુ ચાલુ વર્ષે નવેમ્બર મધ્ય સુધી 6668 હેક્ટરમાં જ ઘઉંનું વાવેતર થયું છે. જે ગત વર્ષે આ સમયગાળામાં 12 હજાર હેક્ટર હતું. જોકે હાલમાં ઠંડી બરોબર ન જામતાં ઘઉંની વાવણી માટે ખેડૂતો રાહ જોઇ રહ્યા છે. આ સંજોગોમાં રવિ સિઝન મોડી પડતાં ઘઉંનું વાવેતર ઓછું થવાની
સંભાવના છે.
પાક સામે ખતરો : ઠંડી પડે તો ઘઉંની વાવણી થાય
ખેડૂત લાલભાઇ ચૌધરી જણાવે છે કે, ચોમાસાની ખેતીમાં સારૂ ન રહેતાં શિયાળું વાવણી પણ મદાર રાખ્યો. જોકે હજુ બરોબર ઠંડી ન પડતાં ઘઉંની વાવણી માટે રાહ જોઇએ છીએ. નવેમ્બર અડધો પુરો થતાં છેવટે 2 વીઘામાં ઘઉં વાવ્યા છે, ચાર વીઘામાં બાકી છે. ઠંડી પડે તો વાવણી થાય.
જિલ્લામાં રવિ વાવેતર
પાક હાલનું ગતસિઝન
ઘઉં 6668 90157
રાયડો 15705 25085
તમાકુ 2547 11030
જીરૂ 1084 5882
વરીયાળી 2342 4835
બટાકા 470 6299
ઓછી ઠંડી ચિંતાજનક
ચાલુ વર્ષે વરસાદ મોડો થતાં ચોમાસું વાવણી પણ મોડી પડી હતી. આ સંજોગોમાં 15મી નવેમ્બર ઘઉં વાવણી માટે યોગ્ય સમયગાળો હોય છે. પરંતુ હાલમાં પડી રહેલી ઓછી ઠંડી વાવણી માટે કેટલેક અંશે ચિંતાજનક કહી શકાય. -બી.એન.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી