મહેસાણા: શાળાનું ભૂમિ પૂજન કરાયું, પણ બાળકોને હજુ રાહ જોવી પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(શાળાનું ભૂમિ પૂજન)

- 6.58 કરોડના ખર્ચે બનનારી અદ્યતન મોર્ડન તાલુકા

મહેસાણા : છેલ્લા ત્રણેક વર્ષથી બનવા જઇ રહેલી પ્રથમ મોડેલ સરકારી તાલુકા પ્રાથમિક શાળાનું મંગળવારે ભૂમિ પૂજન કરાયું છે. શરૂઆતથી જ અનેક વિટંબણાઓમાં ખોટવાયેલી કામગીરીનો રસ્તો સાફ થયો છે. પરંતુ ઇમારતની કામગીરી ચોમાસાને લઇને હજુ વેગવંતી બને એવું દેખાતું નથી ત્યાં સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થવાના આસાર દેખાતા નથી. મોર્ડન સ્કૂલમાં ભણવાની તક બાળકોને હજુ પણ આગામી નવા સત્રમાં પણ સાંપડે એવી શક્યતાઓ જણાતી ન હોવાનું દેખાઇ રહ્યું છે.

શહેરના હૈદરીચોક વિસ્તારમાં આવેલી તાલુકા પ્રાથમિક શાળાનું મકાન જર્જરીત થતાં ત્રણેક વર્ષ અગાઉથી નવિન મકાન માટે તજવીજ હાથ ધરાઇ હતી. જોકે, આ શાળાના મકાનની જગ્યા તાલુકા પંચાયતના પ્રમુખના નામે બોલતી હોવાથી વિવાદ ખડો થયો હતો. જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા નામ સુધારા સહિતની કામગીરી પુરી કરતાં તા.૧૪-૧૦-૨૦૧૩થી રૂ.૭.૧૪ કરોડના ખર્ચે નવિન મકાન બનાવવા માટે તાંત્રિક મંજૂરી પણ અપાઇ હતી. જિલ્લા પંચાયતમાં નવિન બાંધકામ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું. જેમાં અંદાજે રૂ. 6.58 કરોડના ખર્ચે અમદાવાદના જ્યોતિ બ્લિડર્સને કામ સોંપાયું હતું. ૩-૩-૨૦૧૪થી કામ શરૂ કરવાનું હતું અને આગામી ૨-૨-૨૦૧૫ કામ પુરી કરવાની સમય મર્યાદા આપવામાં આવી છે. હાલમાં ચોમાસું ચાલી રહ્યું હોવાથી અને સમયસર કામ શરૂ થઇ શક્યુ ન હોવાથી બાળકોને હજુ પણ આગામી નવા સત્રથી પણ નવિન સ્કૂલમાં ભણવાની તક નહીં સાંપડે એવી શિક્ષણ જગતમાં રાવ ઉઠવા પામી છે.

બે વર્ષથી બાળકો બાજુમાં ભણે છે
કુમાર શાળાનું નવિન મકાન બનાવવાનું હોવાથી આ શાળાના સાતસો જેટલા બાળકો બાજુમાં અડીને આવેલી કન્યા શાળામાં બેસે છે. અહીં પણ પુરતા વર્ગખંડ ન હોવાથી અગવડો વચ્ચે છેલ્લા બે વર્ષથી બે પાળીમાં શાળા ચાલી રહી છે.

મોડેલ સ્કૂલમાં શું હશે?
બે માળના મકાનમાં અભ્યાસ માટે 32 વર્ગખંડ
1920 જેટલા બાળકો શાળામાં ભણી શકશે
500 વિદ્યાર્થીઓ બેસી શકે એવો મલ્ટીપરપઝ હોલ કોમ્પ્યુટરરૂમ, લાયબ્રેરી, લેબોરેટરી, પ્રિન્સિપાલ ઓફિસ, સ્ટોર રૂમ હશે કુમાર,કન્યાઓ તથા સ્ટાફ માટે અલગથી સેનીટેશન સુવિધા ત્રીજા માળે ઉપર સોલર પેનલ કંટ્રોલ રૂમ બનાવાશે બગીચો, રમતનું મેદાન તથા પાર્કિંગ સુવિધા ઉભી કરાશે

ત્રણ વાર નોટીસ અપાઇ
અદ્યતન મોડેલ તાલુકા શાળાના નવા મકાનનું નિર્માણ કરવાની કામગીરી અમદાવાદના જ્યોતિ બ્લિડર્સને આપવામાં આવી છે. ગત માર્ચ માસમાં કામ શરૂ કરવાનું હતું. જોકે કામ શરૂ ન કરાતાં અત્યાર સુધી આ એજન્સીને ત્રણેક વાર નોટીસ પણ અપાઇ છે.

51 લાખનું વાયરીંગ ખર્ચ
ત્રણ માળના આ નવિન મકાન બનાવવા માટે અંદાજે 6.58 કરોડનો ખર્ચ થવાનો અંદાજો છે. જેમાં સિવિલ બાંધકામનો ખર્ચ રૂ.6.29 કરોડ મુકાયો છે જ્યારે રૂ.51.73 લાખના ખર્ચે આ મકાનમાં વાયરીંગ સહિતનો ઇલેકટ્રીક કામ કરાશે.