માતાજીના પ્રસાદમાં પણ વેપાર, કર્મચારી મેળવે છે મોં માગી દક્ષિણા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બહુચર માતાજીને ચડાવાતી સાડીઓનો કર્મચારીઓ દ્વારા ખાનગીમાં થાય છે ધંધો
- બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટનો ખાડે ગયેલો વહિ‌વટ
- શ્રીમંત શ્રદ્ધાળુઓને પ્રસાદીરૂપે સાડી આપી કર્મચારીઓ મોં માગી દક્ષિણા મેળવી રહ્યા છે


મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરમાં કાયમી વહીવટદારના અભાવે વહીવટ સાવ ખાડે ગયો હોય તેમ દરેક કર્મચારી પોતાની જાતને 'વહીવટદાર’ માની બેઠા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં માતાજીની સાડીઓના વેચાણનો મુદ્દો નગરજનોમાં ચર્ચાસ્પદ બન્યો છે. બહુચર માતાજીને ચડાવાતી સાડીઓનો મંદિરના જ કેટલાક કર્મચારીઓ દ્વારા વ્યવસ્થિત પણે ખાનગીમાં વેપાર કરી નફાખોરી કરવામાં આવતી હોવાની વાત ચર્ચાના ચકડોળે ચડી છે. ત્યારે મંદિર તંત્ર આ બાબતે અજાણ હોવાનો રાગ આલાપી રહ્યું છે. ભારત વર્ષનાં એકાવન અને ગુજરાતનાં ત્રણ શક્તિપીઠો પૈકીના બહુચરાજી શક્તિપીઠમાં બિરાજમાન બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરના દર્શન કરવા વર્ષે દહાડે લાખો શ્રદ્ધાળુઓ પધારે છે.

જેઓ માતાજીને શ્રદ્ધાના ભાગરૂપે શ્રીફળ, ચુંદડીની સાથે સાડીની ભેટ ધરી જીવનની ધન્યતા અનુભવતા હોય છે. એક અંદાજ પ્રમાણે વર્ષે માતાજીને ૧પ હજારથી પણ વધુ સાડી ભેટ ધરાવાય છે. જેની ઉપજ પેટે મંદિર ટ્રસ્ટને રૂ.૧૮થી ૨૦ લાખની આવક થાય છે. માતાજીને ચડાવાતી સાડીના વેચાણ માટે મંદિરમાં જ સાડી કેન્દ્ર ઊભું કરાયું છે. પરંતુ અહીં મોંઘી અને સારી સાડી વેચાણ માટે મૂકાય તે પહેલાં જ મંદિરના જ કેટલાક કર્મચારીઓ દ્વારા ઓછી કિંમતે ખરીદી લઇ માતાજીના શ્રીમંત શ્રદ્ધાળુઓ પાસેથી મોં માગ્યા દામ વસૂલી નફાખોરી કરી રહ્યા હોયની ગંભીર ચર્ચા ભક્તજનોમાં ઉઠી છે અને તેની સામે તટસ્થ તપાસ કરી સાડી વેચાણ વ્યવસ્થા પારદર્શક બનાવાય તેવી માંગ ઊઠી છે.

આગળ વાંચો: કેવી રીતે કરવામાં આવે છે નફાખોરી/સાડી વેચાણની ખરેખર શું વ્યવસ્થા છે?