બકરું બચાવવા કેનાલમાં પડેલા મામા-ભાણેજનાં ડૂબી જવાથી મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં મૃતદેહોની શોધખોળ કરી રહેલા ફાયર જવાનો)
- બકરું બચાવવા કેનાલમાં પડેલા મામા-ભાણેજનાં ડૂબી જવાથી મોત
- વિસનગર પંથકના ચિત્રોડા ગામની અરેરાટીભરી ઘટના
-સુજલામ્ સુફલામ્ કેનાલમાંબકરું લપસી પડતાં તેને બચાવવા પડેલો ભાણો ડૂબ્યો
- ભાણાને બચાવવા પડેલા મામા પણ પાણીમાં ગરકાવ
વિસનગર : વિસનગર તાલુકાના ચિત્રોડા ગામની સીમમાંથી પસાર થતી સુજલામ્ સુફલામ્ કેનાલમાં શુક્રવારે સાંજે લપસી પડેલા બકરાને બચાવવા પડેલો ભાણો ડૂબતાં તેને બચાવવા મામા પણ કેનાલમાં પડ્યા હતા. જેમાં મામા-ભાણા બંને પાણીમાં ગરકાવ થઈ જતાં બંનેના મોત થયા હતા. ચિત્રોડા ગામના મુકેશભાઇ ભાથીભાઇ દેવીપૂજક તેમના ભાણા દિનેશભાઇ ભરતભાઇ દેવીપૂજક સાથે શુક્રવારે સાંજે ગામની સીમમાં બકરાં ચરાવવા ગયા હતા.
જ્યાં સુજલામ્ સુફલામ્ કેનાલ પાસે બંને બકરાં ચરાવી રહ્યા હતા તે દરમિયાન એક બકરૂ કેનાલમાં લપસી પડતાં તેને બચાવવા દિનેશભાઇ કેનાલમાં પડ્યા હતા. કેનાલમાં પાણી વધારે હોવાથી દિનેશભાઇ ડુબવા લગતાં તેણે બુમાબુમ કરી હતી. જેથી તેને બચાવવા મામા મુકેશભાઇ પણ પાણીમાં પડતાં બંને ડુબવા લાગ્યા હતા. આજુબાજુમાંથી પસાર થતા લોકોએ તેમને ડુબતા જોઇ બુમાબુમ કરતાં ઘટના સ્થળે લોકો એકઠાં થઇ ગયાં હતાં
પાણીમાં ગરકાવ થઇ ગયેલા મામા-ભાણાની સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા હતા પરંતુ ત્યાં સુધી બંને જીવ ગુમાવી ચૂક્યા હતા. આ અંગેની જાણ થતાં ટીડીઓ કાળુભાઇ પટેલ અને પીઆઇ બી.એ. ચૌધરી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી છે. આ ઘટનાથી ગામમાં શોકની છવાઇ ગયો હતો.

ચાર દિવસમાં ડૂબવાથી મોતની ત્રીજી ઘટના
વિસનગર તાલુકામાં પાણીમાં ડુબી જવાથી મોત નીપજવાના બનાવમાં છેલ્લા ચાર દિવસમાં ત્રીજી ઘટના બની છે. 9મીએ દેણપ નજીક રૂપેણ નદીમાં ન્હાવા પડેલો યુવક તણાતાં મોત થયું હતું. જ્યારે 10મીએ ભાલક ગામમાં હવાડામાં ન્હાવા પડેલા કિશોરનું પાણી પી જવાથી મોત થયું હતું. જ્યારે શુક્રવારે મામા-ભાણાનું ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. થોડાક દિવસો અગાઉ ખંડોસણના યુવકનું પણ ડુબી જવાથી મોત નીપજ્યું હતું.