જિ.પં.ની બાંધકામ શાખામાં છત પરથી પોપડું પડ્યું, સદ્નસીબે જાનહાનિ ટળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-કર્મચારીઓ કામ કરતા હતા ત્યારે જ બનેલી ઘટનાથી ફફડાટ ફેલાયો

મહેસાણા: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ, રસ્તા સહિતના બાંધકામના કામો કરનાર જિલ્લા પંચાયતની બાંધકામ શાખામાં શનિવારે બપોરે ચાલુ કચેરીએ એકાએક છત પરથી પોપડું તૂટી પડતાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જોકે સ્લેબનું પોપડું નીચે ટેબલ પર બનાવાયેલ ફ્રેમ પર પડી હતી અને સદ્નસીબે કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો.

જિલ્લા પંચાયત બિલ્ડીંગ ખાતે ચોથા માળે આવેલા બાંધકામ શાખામાં શનિવારે બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં કર્મચારીઓ કચેરી કામમાં વ્યસ્ત હતા ત્યાં છતના સ્લેબનો એકાદ ફુટ જેટલો ભાગ એકાએક તૂટી પડતાં કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બંને બાજુ ગોઠવાયેલા કર્મચારીઓના ટેબલ વચ્ચેના અવરજવરના રસ્તાના ભાગ ઉપરનું પોપડું નીચે પડ્યું હતું.
સદ્નસીબે આ પોપડું ટેબલ પર કરાયેલા એલ્યુમિનિયમની ફ્રેમ પર પડતાં અહીં કામ કરી રહેલા કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો. જોકે આ ઘટનાને પગલે કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્લેબનો બીજો પોચો ભાગ તૂટી ન પડશે એવી દહેશતને પગલે કર્મચારીઓ દ્વારા તૂટેલા ભાગના આજુબાજુના પડે એવા કેટલાક ભાગને ખોતરી પાડી દેવાયો હતો.