રાજસ્થાનમાં બંધક હાલતમાં મળી આવેલી મહિ‌લાનું મહેસાણામાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - મૃતક મહિલા)

-સાસરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ : મહિ‌લાનું મોત થતાં રાજસ્થાન પોલીસે પીએમ સહિ‌તની કાર્યવાહી હાથ ધરી
મહેસાણા: માર મારી દોરડાથી બાંધી રૂમમાં બંધક બનાવાયેલી રાજસ્થાનના બરસીંગા ગામની સગર્ભા મહિ‌લાને સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં લવાઇ હતી. જોકે વીસ દિવસની સારવાર બાદ મંગળવારે તેણીનું મોત નીપજતાં રાજસ્થાન પોલીસે તેણીના પરિવારને સાથે રાખી અહીંની સિવિલ હોસ્પિટલમાં પેનલ તબીબની મદદથી પીએમ સહિ‌તની કાર્યવાહી ધરી છે.

મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર રાજસ્થાન સ્થિત બાડમેર જિલ્લાના શિવ તાલુકાના બરસીંગા ગામે રહેતા તેજારામ સુથારના લગ્ન ૧૨ વર્ષ અગાઉ તેજીદેવી સાથે થયા હતા. બે સંતાનોના જન્મ બાદ સાસરીયાં કોઇ કારણસર તેજીદેવી પર ત્રાસ ગુજારતા હતા. મહિ‌નાઓ સુધી તેજીદેવીનો સંપર્ક ન થતાં તેના ભાઇએ અનેક વખત તેને મળવા કરેલા પ્રયાશો તેના સાસરીયાઓએ નિષ્ફળ બનાવ્યા હતા.

જેમાં તેજીદેવી કોઇ આફતમાં હોવાની શંકા જતાં પિયરીયાઓએ ગત ૧૩ જુલાઇના સવારે પોલીસને સાથે રાખી તેની સાસરીમાં તપાસ કરી હતી. જેમાં મકાનના એક રૂમમાં બંધક હાલતમાં મળી આવી હતી. અસહ્ય મારથી અર્ધબેભાન હાલતમાં તેજીદેવીને તાત્કાલિક ડીસા બાદ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જોકે, ૨૦ દિવસની સારવાર દરમિયાન મંગળવારે તેજીદેવી મોત સામે હારી જતા હાજર તેનો પરિવાર શોકાતુર બન્યો હતો. ઉપરોકત બનાવની જાણ થતાં જ અત્રે આવી પહોચેલ શિવ પોલીસ મથકના એએસઆઇ રાજુસિંહે પેનલ તબીબની મદદથી લાશનું પોસ્ટમાર્ટમ બાદ મરણ જનારના પરિવારના નિવેદન લેવા સહિ‌તની કાર્યવાહી હાથ ધરી છે.

બંધક હાલતમાં જ મહિ‌લાને ગર્ભપાત થઇ ગયો
પોલીસના કહેવા મુજબ મહિ‌લાને મકાનમાં કયાંરે બંધક બનાવી તે અંગે હજુ પોલીસ જાણી શકી નથી. જોકે,જ્યારે પોલીસ બનાવ સ્થળે પહોંચી ત્યારે બંધક ગર્ભવતી મહિ‌લાની નજીકમાં પડેલો ગર્ભ કીડાથી ખદબદતો જોઇ હાજર તમામ ચોંકી ગયા હતા. મહિ‌લાની સ્થિતિ જોતા બંધક હાલતમાં જ તેને ગર્ભપાત થઇ ગયો હોવાનું કહી શકાય.

છ સાસરીયાઓ વિરૂધ્ધ ફરીયાદ નોધાઇ હતી
મહિ‌લાને સાસરીના ઘરેથી મુકત કરાવ્યા બાદ શિવ પોલીસ મથકમાં છ સાસરીયાઓ વિરૂધ્ધ તેજીદેવીને માનસિક તેમજ શારીરીક ત્રાસ આપવા અંગેની ફરીયાદ નોધાઇ હતી. જોકે, મોત સામે હારી ગયેલી મહિ‌લાએ સારવાર દરમિયાન આપેલા નિવેદનના આધારે શિવ પોલીસે હત્યાનો ગુનો નોધવાની વિચારણા હાથ ધરી છે.