તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં બીજી ઈનિંગમાં ધમાકેદાર ૪ ઈંચ વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બુધવારની રાત બાદ ગુરૂવારે દિવસભર સતત વરસાદ જામ્યો : જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : ૩થી ચાર ઇંચ સુધી પાણી વરસ્યુ વીજળી પડતાં ચાર પશુનાં મોત: અવિરત વરસાદથી નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા,ઠેર ઠેર ટ્રાફિક જામના દૃશ્યો

જિલ્લામાં પંદરેક દિવસની રાહ જોવડાવ્યા બાદ ફરી એક વાર મેઘરાજા રીઝ્યા છે. બીજા રાઉન્ડમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ત્રણથી ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે તો ઘરોમાં પાણી ઘૂસી જવાની પણ ઘટનાઓ બની હતી. વીજળી પડતાં ચાર પશુઓના મોત થયા છે. જ્યારે વરસાદને પગલે શહેર સહિ‌ત હાઇવે વિસ્તારમાં ઠેર ઠેર ટ્રાફિક જામ થયો હતો. વરસાદને પગલે શાળાઓ પણ અસરગ્રસ્ત બની હતી. પાણી ભરાતાં નાના બાળકોને લેવા વાલીઓ શાળાઓમાં દોડી આવ્યા હતા.વરસાદને પગલે છેલ્લા બે ત્રણ તાસ વહેલી છોડી મુકાઈ હતી.

જુન માસના પ્રારંભે પડેલા વરસાદ બાદ બુધવારે રાતે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હતો. ગાજવીજ સાથે થયેલા સાર્વત્રિક વરસાદથી જિલ્લામાં સરેરાશ એકાદ ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. જેમાં ઊંઝા પંથકમાં ૩૮ મીમી, વિજાપુરમાં ૩૭ મીમી, કડીમાં ૩૧ મીમી, બેચરાજીમાં ૧૨ મીમી, ખેરાલુમાં ૧૦ મીમી, મહેસાણામાં ૨૦ મીમી, વિસનગરમાં ૧પ મીમી, સતલાસણામાં ૨૦ મીમી અને વડનગરમાં ૨૧ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે રાતે વીજળી પડતાં કમાણા ગામે ૨ ભેંસ અને કામલી ગામે ૨ ગાયના મોત થયા હતા. ગુરૂવારે દિવસભર વરસાદી હેલી જામી હતી.

સવારે ૭થી સાંજે ચાર કલાક સુધી જિલ્લામાં સરેરાશ ૨થી૪ ઇંચ સુધી વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ મહેસાણા પંથકમાં વરસાદ થયો હતો. મહેસાણામાં ૮પ મીમી વરસાદ થયો હતો. જ્યારે વિજાપુરમાં પ૪ મીમી, બેચરાજીમાં ૪૭ મીમી, કડીમાં ૩૭ મીમી, ખેરાલુમાં ૧૮ મીમી, વડનગરમાં ૧૬ મીમી, વિસનગરમાં ૪૧ મીમી, સતલાસણામાં ૧૩ મીમી તથા ઊંઝામાં ૨૮ મીમી વરસાદ પડયો હતો. વરસાદી હેલીને લીધે નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હતા. વિસનગર તાલુકાના પુદગામે ત્રણ ઘરોમાં પાણી ભરાયા હતા. જ્યારે મહેસાણા શહેરમાં નાગલપુર હાઇવે, શહેરના પ્રવેશવાના ગોપીનાળા અને ભમ્મરીયા નાળામાં પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે ટ્રાફિક જામ થયો હતો.