લડીશું-પડીશું પરંતુ 'સર’ને અહીંથી કાઢીશું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક


- માંડલ-બહુચરાજી 'સર’ના વિરોધમાં માંડલના દાલોદ ગામે ખેડૂત મહિ‌લા સંમેલન યોજાયું
- 'ખેતર વચ્ચે ખીજડા સરકારી ખુરશીવાળા હિંગેડા’ જેવા નારાથી મહિ‌લાઓએ સભામંડપ ગજવ્યો


રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા માંડલ-બહુચરાજી સ્પે. ઇન્વે.(રજી. સર)સામે પ્રારંભથી જ વિરોધ વંટોળ ઊઠી રહ્યો છે. જે આંદોલન દિવસને દિવસે તેજ બનતું જાય છે. સરના કાળા કાયદાના વિરોધમાં માંડલ તાલુકાના દાલોદ ગામે હાઇસ્કૂલના વિશાળ પટાંગણમાં ખેડૂત મહિ‌લાઓનું સંમેલન રવિવારના યોજાયું હતું. ૪૪ ગામોની સાત હજારથી વધુ ખેડૂત મહિ‌લાઓએ રાજ્ય સરકાર વિરોધી નારા લગાવી સભામંડપ ગજવ્યો હતો. 'ખેતર વચ્ચે ખીજડા સરકારી ખુરશીવાળા હિંગેડા’ જેવા નારાથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું.

અગાઉ પણ વિસ્તારની મહિ‌લાઓએ પોસ્ટ કાર્ડ તેમજ ગામેગામ રેલી યોજી સરનો વિરોધ કર્યો છે. આપણી જમીન આપણી નહીં સરકારના બાપની આંદોલનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તો સામનો કરી આંદોલનને વધુ મજબૂત કરીશું. વિસ્તારમાં 'સર’ને કાઢી મૂકવા બલિદાન આપીશું પણ જમીન નહીં આપીએ. નારીશક્તિ ઝિંદાબાદના નારાઓ સાથે સભાનો પ્રારંભ થયો હતો. મહિ‌લા અગ્રણીઓએ જણાવ્યું હતું કે રામરાજ્ય લાવે તેવા રાજા હોવા જોઇએ લડીશું-પડીશું પરંતુ 'સર’ને અહીંથી કાઢીશું. અત્યાર આપણા પર 'સર’ નામની આપત્તિ આવી છે. આ આપત્તિને આપણે ૪૪ ગામોના ખેડૂતો-મહિ‌લાઓ એક થઇ સરકારનો વિરોધ કરી સરને હાંકી કાઢવો છે. સરકાર અઢળક પૈસા ખર્ચી સંમેલન યોજે છે. જ્યારે ખેડૂતો સ્વખર્ચ કરી સંમેલન યોજાઇ રહ્યાં છે. સરકાર સરનો કાયદો ઉઠાવશે ત્યારે જ આંદોલન સમાપ્ત થશે. મહિ‌લાનું પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. દેકાવાડા શિવ-શક્તિ ધામ આશ્રમના ગૌભક્ત કાલીદાસ બાપુએ આગવી છટામાં પ્રાસંગિક પ્રવચન આપી આંદોલનને વેગ આપ્યો છે.