• Gujarati News
  • Pitamam By ONGC Against Oil containing Water To Leave

ONGC દ્વારા પીટમાં ઓઇલ યુક્ત પાણી છોડવા સામે વિરોધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકાના કસલપુરા ગામે ઓએનજીસી દ્વારા ગ્રામ પંચાયતની ખરવાડની જમીન મંજૂરી વગર દબાણ કરી ગંદા પાણીનો પીટ બનાવી દેતાં વિવાદ ઉભો થયો છે. ગંદા પાણીના આ પીટમાં ઓઇલ અને કેમિકલયુક્ત ગંદા પાણી છોડાતાં દુર દૂર સુધી ફેલાતી દુગ્ર્‍ાંધથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની તેમજ ભૂગર્ભ જળ દૂષિત થતા હોવાની રાવ ઉઠી રહી છે.

કસલપુરા ગામથી સાંથલ તરફની સીમમાં ઓએનજીસીનો સાઉથ સાંથલ સીટીએફ પ્લાન્ટ આવેલો છે. જ્યાં આસપાસના અંદાજે બસોથી વધુ ઓઇલ વેલ દ્વારા ખેંચવામાં આવતા ક્રૂડ ઓઇલનું પ્રાથમિક શુધ્ધિકરણ કરવામાં આવે છે. જેમાં વપરાતા કેમિકલ અને પાણીના નિકાલ માટે બાજુમાં ગંદા પાણી માટે તળાવ જેવું પીટ બનાવાયું છે. જોકે ઓએનજીસી દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વિના પંચાયત હસ્તકની બ્લોક નં-૮૯૬ની ખરવાડની ૧૮ ગૂંઠા જમીન પણ આ પીટમાં આંતરી લીધી છે. વર્ષ ૨૦૦૪થી બનાવેલ આ પીટમાં ઓઇલ અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતાં કાળા ગંદા પાણીનું તળાવ ભરાય છે. જેને લીધે ફેલાતી દુગ્ર્‍ાંધને લીધે ગામલોકો ભારે પરેશાન થઇ રહ્યા છે. અહીં નજીકમાં આવેલા ખેતરોમાં કામ કરવું પણ મુશ્કેલ બની રહ્યું હોવાનું અને આરોગ્ય સામે પણ ખતરો તોળાઇ રહ્યાનો ગામલોકો કચવાટ ઠાલવી રહ્યા છે.

ખેડૂત અગ્રણી મહેન્દ્રભાઇ પટેલે રોષ ઠાલવ્યો હતો કે, ગંદા પાણી માટેના આ પીટમાં નીચે તળીયામાં આરસીસી કે અન્ય કોઇ પાકું તળીયું બનાવ્યું ના હોવાથી કેમિકલ અને ઓઇલયુક્ત પાણી નીચે ઉતરતાં ભૂગર્ભજળ પણ દૂષિત થઇ રહ્યા છે. નજીકના ટયુબવેલમાં પણ આની અસર જોવા મળી રહી છે.

દબાણ દૂર કરવા રજૂઆત કરાઇ છે : સરપંચ

ગ્રામ પંચાયતનાં સરપંચ ગીતાબેન પટેલે ઓએનજીસીના એસેટ મેનેજરને ગંદા પાણીથી ગામલોકોના આરોગ્ય સામે ખતરો તોળાતાં આ જમીન ખુલ્લી કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે. જો જમીન ખુલ્લી કરવામાં નહીં આવે તો પંચાયત દ્વારા જાતે આ કામગીરી કરવામાં આવશે એવી પણ ચીમકી ઉચ્ચારી છે.

વર્ષ ૨૦૦૬થી દુર્ગંધરાજ
ગામના અગ્રણી હસમુખભાઇ પટેલે આક્રોશ ઠાલવ્યો હતો કે, ઓએનજીસી દ્વારા વર્ષ ૨૦૦૬થી ગ્રામ પંચાયતની જમીનમાં દબાણ કરી પીટ બનાવ્યું છે. જેમાં છોડાતા ગંદા અને આરોગ્ય માટે ખતરારૂપ પાણીથી દુગ્ર્‍ાંધરાજ ફેલાયું છે. રજૂઆત છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી.

સંપાદનની કાર્યવાહી કરાશે
આ અંગે ઓએનજીસીના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ખરવાડની આશરે ૮થી૧૦ ગૂંઠા જેટલી જમીન આ પીટમાં આવી છે. જે સંપાદન માટે કાર્યવાહી હાથ ધરાશે. જોકે લોકોના આરોગ્ય સામે રહેલી દહેશત અને ગંદા પાણીના યોગ્ય નિકાલ માટે શું વ્યવસ્થા કરાશે એ અંગે ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું.