રામોસણા ઓવરબ્રિજ પાસે ગોઝારો અકસ્માત, શિક્ષિકાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામોસણા ઓવરબ્રિજે ગોઝારો અકસ્માત, શિક્ષિકાનું મોત
રામોસણા બ્રિજ પાસે સોમવારે સવારે ટ્રકની ટક્કર વાગતાં બાઇક સાથે સર્જા‍યેલા અકસ્માતમાં બાઇક પરથી નીચે પટકાતાં થલવાડા શાળાના શિક્ષિકાનું કરૂણ મોત નીપજ્યું હતું. ટ્રકના પાછળનાં ટાયર શિક્ષિકા પર ફરી વળતાં ઘટના સ્થળે જ મોત થયું હતું અને ભારે અરેરાટી પ્રસરી હતી. જ્યારે બાઇક ચાલક સાથી શિક્ષકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે સિવિલમાં દાખલ કરાયા હતા. અકસ્માત સંદર્ભે બી ડિવિજન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર પાસેની ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા મયુરકાંત જેઠાલાલ સોલંકી બનાસકાંઠાના વડગામ તાલુકાના થલવાડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સોમવારે સવારે ૬ કલાકે તેઓ તેમની શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સ્મિતાબેન દિપકભાઇ જોષીને તેમના બાઇક (જીજે ૨એબી ૭૮૨૬) પર બેસાડી થલવાડા જવા રવાના થયા હતા ત્યારે રામોસણા જકાતનાકાથી આગળ કેન્સવિલા કોમ્પલેક્ષ પાસે બ્રિજના છેડે બેફામ આવી આવેલા આઇસર ગાડીના ચાલકે રોડ ઉપર ચઢવા એકદમ ટર્ન લેતાં ટ્રકના આગળના ટાયરના ભાગે બાઇક અથડાયું હતું.

જેને પગલે બાઇક પરથી પટકાયેલાં બંને શિક્ષકો પૈકી સ્મિતાબેન ટ્રકના પાછળના ટાયર નીચે કચડાતાં માથાના ભાગે થયેલી ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે મયુરકાંત સોલંકીને ગંભીર ઇજા થતા સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે બી ડિવિજન પોલીસે આઇસર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શિક્ષિકા પતિને મળવા મહેસાણા આવી હતી

થલવાડા પ્રાથમિક શાળાનાં શિક્ષિકા સ્મિતાબેનના પતિ દિપકકુમાર દવાની કંપનીમાં એમઆર હોઇ ચાર મહિ‌ના અગાઉ તેઓ માનવ આશ્રમ વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. શનિ-રવિની રજા હોઇ સ્મિતાબેન તેમના પતિને મળવા મહેસાણા આવ્યા હતા અને સોમવારે શાળાએ જવા મયુરભાઇના બાઇક પર નીકળ્યા હતા.

સપ્તાહમાં અકસ્માતના ચાર બનાવ

રામોસણા સર્કલે પાટણ રેલવે લાઇન પર બનાવાયેલ ઓવરબ્રિજના છેડે ટ્રાફિક સુરક્ષા અને સલામતીના ઠેકાણા ના હોવાથી અકસ્માતના બનાવો અહીં સામાન્ય થઇ પડયા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન અહીં સર્જા‍યેલા ચાર અકસ્માતો છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં નહીં લેવાતાં સ્થાનિક રહીશોમાં રોષ પ્રસર્યો છે.

સર્કલ બનાવવાની વિચારણા ચાલી રહી છે : ડેપ્યુટી ઇજનેર

રામોસણા બ્રિજના વળાંકમાં અકસ્માતો વધી રહ્યા છે ત્યારે મહેસાણા પીડબલ્યુડી વિભાગે આ વિસ્તાર નેશનલ હાઇવે ઓથોરિટી આધારિત હોવાનું કહી જવાબદારીમાંથી હાથ ઉંચા કર્યા હતા. બીજીબાજુ નેશનલ હાઇવે (એનએચ)ના ડેપ્યુટી ઇજનેર શૈનીએ જણાવ્યું કે, બ્રિજથી ૧૦૦ મીટર દૂર સર્કલ બનાવવાની વિચારણા ચાલુ છે અને તેને માટે ડિઝાઇનો પણ તૈયાર કરાઇ છે. આગામી દિવસોમાં તેનું અમલીકરણ કરાશે.