બલોલ ગામે નાણાંની ઉઘરાણીના મુદ્દે યુવાનની કરપીણ હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બે ભાઇઓએ ભેગા થઇ ઠાકોર યુવાનને છરીઓના ઘા ઝીંક્યા
- સારવાર પૂર્વે યુવાનનું મોત નિપજતાં સાંથલ પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી
તાલુકાના બલોલ ગામે નાણાંની ઉઘરાણીના મુદ્દે ગુરુવારે સાંજે બે સગા ભાઇઓએ ભેગા મળી ઠાકોર યુવાનને છરીના ઘા ઝીંક્ી દેતાં તેનું મોત નિપજતાં ચકચાર પ્રસરી છે. બલોલ ગામે રહેતો વિજયજી રણછોડજી ઠાકોર (ઉ.વ. ૩૦) ઓએનજીસીમાં વેલ્ડર તરીકે કામ કરતો હતો. ગુરુવારે સાંજે ૭-૦૦ કલાકે તે ઘરે હાજર હતો તે સમયે ખારા ગામના લાલાજી ઉદાજી ઠાકોર તેમજ તેના ભાઇ અરવિંદજીએ તેની પાસે જઇ ધાકધમકીપૂર્વક નાણાંની માગણી કરી હતી. જેમાં વિજયજીએ નાણાં આપવાનો ઇન્કાર કરતાં જ તેઓએ ઉશ્કેરાઇ જઇ છરીઓના ઘા ઝીંકી દેતાં તે લોહીંથી લથપથ હાલતમાં જમીન ઉપર પછડાઇ ગયો હતો.
અચાનક બનેલા બનાવને પગલે ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઇ જતાં હત્યારાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અરવિંદજી ઉદાજી ઠાકોર ગ્રામજનોના હાથે ઝડપાઇ ગયો હતો. લોહીંના ખાબોચીયામાં પટકાયેલા વિજયજી ઠાકોરને સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અહીં દોડી આવેલી સાંથલ પોલીસે પોસ્ટમોર્ટમ સહિ‌તની કાર્યવાહી બાદ બે શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
- હત્યારો લાલાજી ઓઇલ ચોરીના ગુનામાં વોન્ટેડ
અગાઉ સાંથલની હદમાં થયેલી ઓઇલ ચોરીના ગુનામાં લાલાજી ઉદાજી ઠાકોર પોલીસ ચોપડે વોન્ટેડ હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું છે. લાલાજી તેમજ તેનો ભાઇ અરવિંદજી ઓએનજીસીના વેલ ઉપર કામ કરતાં મજૂરો તેમજ કોન્ટ્રાક્ટરો પાસેથી દાદાગીરીપૂર્વક નાણાં ઉઘરાવતા હોવાનો તેમજ વિજયજીને પણ લાંબા સમયથી પરેશાન કરતા હોવાનો તેના પિતા રણછોડજીએ આક્ષેપ કર્યો હતો.
- ઝડપાયેલા અરવિંદજીએ પણ ભાગવાનો પ્રયાસ કર્યો
હત્યા બાદ બનાવસ્થળેથી ઝડપાયેલો અરવિંદજી ભાગી ન જાય તે માટે ગ્રામજનો ઇજાગ્રસ્ત વિજયજી સાથે તેને પણ ૧૦૮ એમ્બ્યુલન્સમાં મહેસાણા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. અહીં વિજયજીને તબીબે મૃત જાહેર કર્યાની ગણતરીની મિનિટોમાં અરવિંદજીએ ભાગવાનો પ્રયાસ કરતાં અહીં હાજર એલસીબીના હે.કો. રહેમતુલ્લાખાન તેમજ સાહરભાઇ દેસાઇએ તેને ઝડપી લીધો હતો.