અનોખુ ગામઃ સ્થાપના બાદ નથી ઉજવાયો નવરાત્રિ ઉત્સવ

નવરાત્રિએ ગરબાની રમઝટના બદલે માતાજીના મંદિરે જાતર થાય છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Oct 12, 2013, 02:12 AM
not celebration navratri in mevad

- નવરાત્રિએ ગરબાની રમઝટના બદલે માતાજીના મંદિરે જાતર થાય છે
- ગામની સ્થાપના થઈ ત્યારથી નવરાત્રિ મહોત્સવ નથી ઉજવાતો
- ખોડિયાર માતાજીની જાતર (ભવાઈ) શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે


નવલાં નોરતાંની રાતોમાં ગામેગામ અને શહેરની ગલીએ-ગલીએ ગરબાની રમઝટની ધુમ સંભળાઈ રહી છે ત્યારે મહેસાણા તાલુકાના મેવડ ગામમાં ભવાઈના વેશ ભજવાતા જોવા મળે છે. કારણ કે મેવડ ગામની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી નવરાત્રિમાં ગરબા મહોત્સવ નથી ઉજવાતો પણ શ્રદ્ધાપૂર્વક માતાજીની જાતર કરવામાં આવે છે.

૧૦૦ વર્ષ પૂર્વે મેવડા પરિવાર દ્વારા વસાવેલું ગામ મેવડ તરીકે ઓળખાયું. અહીં હાલમાં ચૌધરી ઉપરાંત રાજપૂત, દેસાઈ, સુથાર, પ્રજાપતિ, હરીજન, વાલ્મિકી સહિ‌ત ૧૪ જેટલી જ્ઞાતિના આશરે ત્રણ હજાર લોકો રહે છે. પરંતુ ગામની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી ગામમાં નવરાત્રિમાં ગરબા મહોત્સવ ઉજવાતો નથી તેમ કહીને ગામના અગ્રણી ગોવિંદભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, અમારા ગામમાં નવરાત્રિમાં કુળદેવી મા ખોડિયારની જાતર કરબઠા મુજબ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે.

જગુદણ ગામના નાયક પરિવારના માથે ગામનું કરવેઠું છે એટલે વંશ પરંપરા મુજબ હાલમાં તે પરિવારના જગાભાઈ નાયક અન્ય નાયક ભાઈઓ સાથે ભાદરવા વદ અમાસના દિવસે સાંજે ગામમાં પ્રવેશ કરે છે અને એ રાત્રે ગામના ચોકમાં રમુજી ટૂચકા સાથે રામાયણ-મહાભારત જેવી કથા સંભળાવે છે અને ગામમાં જ રોકાય છે. પ્રથમ નવરાત્રિએ સાંજે ૪થી ૬ વાગ્યા દરમિયાન મા ખોડીયાર મંદિર આગળ અબાલ-વૃદ્ધ સમક્ષ કથા થાય છે અને છેલ્લે માતાજીની ભેર (ભુંગળ વાગાડી) માતાજીની જય બોલાવી નાયકો ઉતારે જાય છે.

સાંજે ગામની બહેનો માતાજીના પાંચ ગરબા ગાય છે અને ત્યાર બાદ આઠેક વાગ્યે ગામના ચોકમાં ભૂંગળ વગાડી માતાજીની જાતર શરૂ થાય છે અને રાત્રે બારેક વાગ્યે ભવાઈનો વેષ પૂરો થાય છે. રાત્રે થતા ભવાઈના વેષ દરમિયાન ગામના નાયી ભાઈઓ વારાફરતી હાથમાં મશાલ લઈને ઉભા રહી અજવાળાં પાથરે છે. બીજા દિવસે સવારે ગામના ચોકમાં મોદ પથરાય છે અને અહીં કથા-ભવાઈ બાદ જેમણે માનતા માની હોય તે શેર લેવડાવે છે (નાયકના હાથમાં પૈસા આપતાં તેઓ ગાતાં ગાતાં ફેર ફુંદરડી ફરતા ગોળ ગોળ ફરે તેને શેર લેવડાવ્યો કહેવાય છે).

ત્યાર બાદ નાયકો ભૂંગળ વગાડી જેમના ઘરે પુત્રનો જન્મ થયો હોય તેમના ઘરે જઈને હાલરડું ગાઈ દક્ષિણા મેળવે છે અને ત્યાંથી સીધા માતાજીના મંદિરે આવી માનો ગરબો ગાઈ પગે બાંધેલા ઘુઘરા છોડી સુખડી ખાઈ માતાજીની જય બોલાવે છે એટલે એક જાતર પૂરી થઈ કહેવાય. આ પ્રથમ જાતર માતાજીની અને બીજી જાતર સમસ્ત ગ્રામજનોની થાય છે. પ્રથમ બે જાતર બાદ વારાફરથી ગ્રામજનો પુત્ર જન્મ નિમિત્તે કે અન્ય કોઈ માનતા નિમિત્તે જાતર કરાવે છે જે સિલસિલો પંદર-વીસ દિવસ સુધી ચાલે છે. પ્રથમ બે દિવસ નાયકોના ભોજન સહિ‌ત તેમનો તમામ ખર્ચ સમસ્ત ગ્રામજનો ઉઠાવે છે જ્યારે બાકીની જાતરનો ખર્ચ જે-તે વ્યક્તિ ઉઠાવે છે.

- માતાજીએ નવરાત્રિ કરવાની રજા આપી નહોતી

ગામના પ્રવેશદ્વારે બિરાજમાન ખોડીયાર માતાજીના મંદિરનો ૧૯૭૮માં જિર્ણોદ્ધાર કરાયો હતો. પ્રતિ વર્ષે નવરાત્રિમાં અહીં માતાજીની જાતર કરવામાં આવે છે અને આઠમે માતાજીનો રથ વળાવવાની વિધિ થાય છે. કેટલાક વર્ષો પૂર્વે ગ્રામજનોએ નવરાત્રિના ગરબા કરવા માટે માતાજીની રજા મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માડીએ રજા આપી નહોતી તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.

- આઠમે માતાજીનો રથ વળાવાય છે

આઠમના દિવસે માતાજીની જાતર થતી નથી પરંતુ આ દિવસે સવારે માતાજીનો હવન કરવામાં આવે છે. બીજી તરફ ક્ષત્રિય ભાઈઓએ જંગલમાંથી કાપી લાવેલા લાકડામાંથી સુથારભાઈઓ રથ બનાવે છે. સાંજે હવનની પૂર્ણાહુતિ બાદ રથ ગામ વચ્ચે લાવવામાં આવે છે જેમાં સમસ્ત ગ્રામજનો દિવો પ્રગટાવે છે અને પ્રત્યેક ઘરેથી આ દિવામાં ઘી નાખવામાં આવે છે. ત્યાર બાદ ક્ષત્રિયો રથ ખેંચીને ગામની હદ બહાર મૂકી આવે છે. જ્યારે દશેરાના દિવસે ગામમાં પ્રત્યેક ઘરે ઉજાણી કરવામાં આવે છે.

X
not celebration navratri in mevad
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App