વિસનગરના વેપારીનું નાણાંની વસૂલાત માટે અપહરણ કરાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાડીમાં ઉઠાવી આંગડિયા પેઢીમાં લઇ જઇ બેઝબોલ વડે ફટકાર્યા
વિસનગરની જીઆઇડીસીમાં કારખાનું ધરાવતા એક વેપારીને નાણાકીય બાબતમાં ત્રણ શખ્સો દ્વારા ગાડીમાં અપહરણ કરી લઇ જઇ બેઝબોલ વડે મારપીટ કરતાં વેપારીએ આ બનાવ અંગે વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપી છે.
શહેરના સોપાન બંગ્લોઝમાં રહેતા પટેલ હર્ષદભાઇ જયંતિભાઇનું જીઆઇડીસીમાં ખીલી બનાવવાનું કારખાનું છે. હર્ષદભાઇ ગત ૨૯ જાન્યુઆરીના રોજ કારખાને જઇ રહ્યા હતા તે દરમિયાન ઊંઝા તાલુકાના સુરપુરા ગામના પટેલ બાબુભાઇ સહિ‌ત ત્રણ શખ્સો ઝાયલો ગાડીમાં આવી હર્ષદભાઇને બેસાડી દીધા હતા અને તેમને ઊંઝા ખાતે ગોરધન આંગડીયાની પેઢીએ લઇ ગયા હતા. જ્યાં તેમની પાસેથી ૯૨ હજાર લેવાના જણાવી વ્યાજ સાથે બે લાખ થયા હોવાનું કહી પૈસાની માગણી કરી હતી.
હર્ષદભાઇએ તમે મને રસ્તેથી ઉપાડી લાવ્યા છો મારી પાસે પૈસા નથી તેમ જણાવતાં ત્રણેયે તેમને બેઝબોલથી માર માર્યો હતો અને હર્ષદભાઇનો મોબાઇલ લઇ તેમના મામાના દીકરા હિ‌તેશભાઇ પટેલને વાત કરાવી બે લાખ મગાવ્યા હતા. જ્યાં આંગડીયા પેઢીમાં હવાલો પડાવી હર્ષદભાઇને છુટા કરી આ વાતની જાણ કોઇને કરી છે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
દરમિયાન ઘાયલ હર્ષદભાઇએ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ બનાવ પછી આ શખ્સો રૂ.૧,૧૦,૦૦૦ પાછા આપી ગયા હતા. આ બનાવ અંગે હર્ષદભાઇએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.