મહેસાણા જિલ્લામાં આવાસ અંગે ૨૮ તલાટીઓને નોટિસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કામગીરીમાં નિષ્ક્રિયતા અને હપ્તા ચૂકવણીમાં અનિયમિતતા બહાર આવી
જિલ્લાના ચાર તાલુકાઓમાં ઓચિંતી ચકાસણી હાથ ધરાઇ હતી
જવાબદાર તલાટીઓને કારણદર્શક નોટિસ આપી ખુલાસા પૂછાયા


ગરીબોને ઘરનું ઘર આપવાની અતિ મહત્વની રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સાથે સંલગ્ન આવાસ યોજનાઓની કામગીરીમાં નિષ્ક્રિયતા તેમજ ઢીલાસ દાખવનાર જિલ્લાના ચાર તાલુકાના ૨૮ તલાટીઓને નાયબ ડીડીઓએ કારણદર્શક નોટિસ આપી ખુલાસો કરવા તાકીદ કરી છે. નોંધનીય છે કે, આવાસ યોજનાના ચેકનાં નાણાં લાભાર્થીઓ સુધી પહોંચ્યા ન હોવા સહિતની ઉઠેલી રાવ વચ્ચે ૧૦ દિવસ અગાઉ વિવિધ ટીમો બનાવીને ચકાસણી હાથ ધરાઇ હતી.

ગરીબી રેખા નીચે જીવતા (બીપીએલ) લાભાર્થીઓને આવાસનો લાભ મળી શકે તેવા મુખ્ય ઉદ્દેશ સાથે અમલી બનાવાયેલી સરદાર આવાસ યોજના તેમજ ઇન્દીરા આવાસ યોજનામાં લાભાર્થીઓને સમયસર સહાયની રકમ ન મળતી હોવાની તેમજ આવાસની કામગીરી મંદગતિએ ચાલતી હોવા સહિતની ઉઠેલી ફરિયાદને પગલે ૧૦ દિવસ અગાઉ નાયબ ડીડીઓ પ્રદિપસિંહ રાઠોડ સહિતની ટીમોએ જિલ્લાના ચાર તાલુકાઓમાં ઓચિંતી ચકાસણી કામગીરી હાથ ધરી હતી. જેમાં કેેટલાક ગામોમાં લાભાર્થીઓને મકાન લીંટલ લેવલે આવવા છતાં સહાયનો હપ્તો ચુકવાયો ન હોવા સહિતની બાબતો સામે આવી હતી. જે અંતર્ગત નાયબ ડીડીઓ પ્રદિપસિંહ રાઠોડની સૂચનાથી ઊંઝા, વિજાપુર, ખેરાલુ તેમજ સતલાસણા તાલુકાના કુલ ૨૮ તલાટીઓને કારણદર્શક નોટિસ આપી તાત્કાલિક ખુલાસો કરવા કરાયેલી તાકીદને પગલે તલાટીઓમાં ફફડાટ પ્રસર્યો છે. અન્ય તાલુકાઓમાં પણ આવાસ યોજના અંતર્ગત થયેલા કામોની ચકાસણી હાથ ધરાઇ છે.


ચકાસણી દરમિયાન કઇ ખામીઓ જોવા મળી
@ કેટલીક જગ્યાએ આવાસની કામગીરી શરૂ થઇ જ નહતી
@ કેટલીક જગ્યાએ કામ અધૂરા જોવા મળ્યા હતા
@ લાભાર્થીને લીંટલ લેવલે કામ પૂર્ણ થવા છતાં હપ્તો ચુકવાયો ન હતો
@ આવાસમાં માટીના પાયા નાખવામાં આવ્યા હતા

કેટલા તલાટીઓને અપાઇ નોટિસ
ઊંઝા : ૧૦ તલાટી
ખેરાલુ : ૩ તલાટી
સતલાસણા : ૫ તલાટી
વિજાપુર : ૧૦ તલાટી

ઝડપી સહાય મળશે
નાયબ ડીડીઓ પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યું હતુ કે, આ યોજનાનું ગ્રામકક્ષાએ અમલીકરણ કરતા જવાબદાર તલાટીઓને કારણદર્શક ખુલાસો પુછતી નોટિસ આપવામાં આવી છે, જેને કારણે લાભાર્થીઓને ઝડપી સહાય સહિતની મદદ મળી શકશે.

તંત્રની તપાસમાં આવાસ યોજના અંતર્ગત સૌથી વધુ ખામી ક્યાં દેખાઇ
બીપીએલ લાભાર્થીઓને આવાસ મળી રહે તેવા મુખ્ય ઉદ્દેશ સાથે અમલી આવાસ યોજનાઓ અંતર્ગત ખિલોડ, ડાભલા, ડભોડા, સુલતાનપુરા, ઉનાવા ગામમાં વધુ ખામીઓ જોવા મળી હતી. નોંધનીય છે કે, ખિલોડમાં બનાવેલા બે કાચા મકાન બાબતે તંત્રએ ઉઠાવેલા વાંધા અંતર્ગત લાભાર્થીઓએ જે મકાન બનાવાયું છે તે યોગ્ય છે, સહાય આપવી હોય તો આપો તેવો જવાબ તંત્રને આપ્યો છે.