તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંકણજમાં ફટાકડા નહીં પણ માથા ફૂટયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-માંકણજમાં ફટાકડા નહીં પણ માથા ફૂટયા
-ભાઇબીજ લોહિ‌યાળ બની
-ભેંસો બાંધવાની બાબતમાં ધિંગાણું, ૨૦ને ઇજા
-બંને પક્ષે સામસામે કુલ ૨૩ જણા વિરુદ્ધ સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાવી
મહેસાણા તાલુકાના માંકણજ ગામે ભાઇબીજના દિવસની સવાર લોહિ‌યાળ બની હતી. એક જ મહોલ્લામાં રહેતા એક જ કોમનાં બે જૂથ નજીવી બાબતે હથિયારો સાથે સામસામે આવી જતાં બંને પક્ષે કુલ ૨૦ને ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડાયાં હતાં. સાંથલ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
માંકણજ ગામના ઝાલા સુરેશસિંહ સરદારસિંહે પોતાની ભેંસો રસ્તામાં બાંધી હોઈ મહોલ્લામાં રહેતા ઝાલા છનુસિંહ દેવુંસિંહ, ઝાલા કર્તિસિંહ દેવુંસિંહ, ઝાલા અજીતસિંહ દેવુંસિંહે મંગળવારે સવારે સુરેશસિંહનાં માતાને અપશબ્દો બોલી તકરાર શરૂ કરી હતી. હરસિદ્ધ માતાના મંદિર પાસે થયેલી બોલાચાલીએ જોતજોતમાં વિકરાળ રૂપ ધારણ કરતાં બંને પક્ષના લોકો હાથમાં લાકડી, ધારિયાં, ધોકા, પાઈપ, કુહાડી જેવાં હથિયારો સાથે સામસામે આવી ગયા હતા અને એકબીજા ઉપર હુમલો કરતાં મામલો બીચક્યો હતો. વિસ્તારમાં રણભૂમિ જેવું વાતાવરણ સર્જા‍યું હતું અને આ ઘટનામાં બંને પક્ષે કુલ ૨૦ વ્યક્તિને નાની- મોટી ઈજાઓ પહોંચતાં સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સાંથલ પોલીસે મામલો સંભાળી બંને પક્ષે કુલ ૨૩ જણા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે ઝાલા સુરેશસિંહ સરદારસિંહે ઝાલા છનુસિંહ દેવુંસિંહ, કર્તિીસિંહ દેવુંસિંહ, અજીત સિંહ દેવુંસિંહ, કપુરસિંહ દીવાનસિંહ, મહેન્દ્રસિંહ ઉર્ફે કાળુંસિંહ છનુસિંહ, રમેશજી ખોડસિંહ, દેવુસિંહ જતુસિંહ, ભરતસિંહ તખતસિંહ, શિવુંસિંહ જતુસિંહ, રઈબેન છનુસિંહ, શારદીબેન અજીતસિંહ, ગીતાબેન કર્તિીસિંહ, કેશરબેન દેવુસિંહ સહિ‌ત ૧૩ વિરુદ્ધ નોંધાવી હતી.
કડીના અણખોલમાં ગરબા પ્રસંગે થયેલી મારામારી ત્રણ જણાને ઈજા
કડી તાલુકાના અણખોલ ગામે બેસતા વર્ષની રાત્રે નીકળતા વેરાઈ માતાના ગરબાનો મહોત્સવ બીજા દિવસે બપોર સુધી ચાલે છે. મંગળવારે બપોરે ગરબા વળાવ્યા પૂર્વે ગામના ચોતરે ત્રણ-ચાર હરોળમાં ગરબા રમાતા હતા ત્યારે લાઈનમાં ધક્કામુક્કી થતાં બોલાચાલી થઈ હતી. બોલાચાલીમાંથી સર્જા‍યેલી મારામારીમાં ત્રણેક વ્યક્તિને નાની-મોટી ઈજા પહોંચતાં સરપંચ સહિ‌તે મામલો ઠંડો પાડયો હતો અને ઈજાગ્રસ્તોને કડી ખાતે સારવાર માટે ખસેડાયા. આ બાબતે ઠાકોર વિક્રમજી મણાજીએ ઠાકોર સોમાજી ચેહરાજી, ઠાકોર પ્રવિણજી બળદેવજી, ઠાકોર ખોડાજી ઉર્ફે ફુલાજી તથા ઠાકોર સુરેશજી પરાગજી વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે ઠાકોર ખોડાજીએ ઠાકોર વિક્રમજી મણાજી, ઠાકોર અરવિંદજી મણાજી, ઠાકોર મહેન્દ્રજી રામાજી તથા ઠાકોર દિલીપજી મંગાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં રાજપુર ઓપીના જમાદાર નાગજીભાઈએ વધુ તપાસ હાથ ધરી છે.