• Gujarati News
  • Ma Umiya On City Rounding Flower Rain Via Helicopter

મા ઉમિયાની નગરયાત્રાએ ઉતર્યું ઊંઝા રસ્તા પર, થઈ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝામાં મા ઉમિયાનો જયઘોષ ગૂંજ્યો
પરંપરાગત નગરયાત્રામાં રથમાં સવાર મા ઉમિયાએ દર્શન આપ્યાં : હૈયેહૈયું ચંપાય તેટલી જનમેદની ઊમટી : હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઇ
ઊંઝામાં શનિવારે અનોખો ઉત્સાહ અને ભક્તિભાવપૂર્ણ માહોલ સર્જા‍યો હતો. પરંપરાગત રીતે મા ઉમિયા રથમાં સવાર થઈ ભક્તોને દર્શન આપવા નગરમાં ભ્રમણ કરતાં હજારો ભાવિકો દર્શનાર્થે ઊમટ્યા હતા અને માતાજીના જયઘોષથી વાતાવરણ ગૂંજી ઊઠયું હતું.
ઊંઝામાં બિરાજેલાં વિશ્વભરના કડવા પાટીદારોનાં કુળદેવી મા ઉમિયાની વૈશાખ સુદ પૂનમે હજારો વર્ષોથી નીકળતી નગરયાત્રા અંગે નગરજનોમાં અનેરો આનંદ અને ઉત્સાહ છવાયો હતો. ઘેર-ઘેર આસોપાલવનાં તોરણ બાંધીને ઉજાણી કરી, મા ઉમાના સ્વાગતની તૈયારી રૂપે માર્ગો પર તોરણ સહિ‌ત શણગાર કરાયા હતા.
શનિવારે સવારે ૮-૩૦ વાગ્યે મંદિરેથી માતાજીને જર્મન સિલ્વરના ભવ્ય રથમાં બિરાજમાન કરી સંસ્થાના ઉપપ્રમુખ નારાયણભાઈ પટેલના હસ્તે લીલીઝંડી આપી બોલ મારી ઉમિયા જય જય ઉમિયા...ના જયઘોષ સાથે યાત્રાનો પ્રારંભ કરાયો હતો. રથ સાથે ધ્વજપતાકા, હાથી, ઘોડા, બગીઓ, ભજનમંડળીઓ, ટેબ્લો, સ્કૂટરસવાર, વેશભૂષામાં સજ્જ બાળકો, નૃત્ય સહિ‌ત મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. માતાજીના રથ પર એરોમોડલીંગ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઇ હતી. ગંજબજારમાં ચેરમેન ગૌરાંગભાઈ પટેલ સહિ‌ત વેપારીઓ દ્વારા ઠેર ઠેર માતાજીનું સ્વાગત કરાયું હતું.
ઉલ્લેખનિય છે કે, ઊંઝા તેમજ આસપાસના ગામોના હૈયેહૈયું ચંપાય તેટલી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શનાર્થે ઊમટી પડયા હતા અને મા ઉમિયાના જયઘોષથી નગર ધર્મનગરીમાં ફેરવાયું હતું. સંસ્થાનના મંત્રી વિક્રમભાઈ પટેલ, અંબાલાલ ચારી, ઈશ્વરભાઈ, દિલીપભાઈ સહિ‌ત હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ ઉમા માઈ મંડળના કાર્યકરોએ યાત્રાનું આયોજન સંભાળ્યું હતું.
વૈશાખ સુદ પૂનમે કુળદેવીના પૂજન-અર્ચન બાદ ખેડૂતો ખેતીની તૈયારી કરતા
વર્ષોથી પાટીદારોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો અને ખેડૂતો વૈશાખ સુદ ત્રીજે (અખાત્રીજે) ભાગબટાઈના હિ‌સાબો તથા નવા કરારો કરતા. જ્યારે વૈશાખ સુદ પૂનમે કુળદેવી મા ઉમિયાનું પૂજન- અર્ચન કરી ખેતીની કામગીરીનો પ્રારંભ કરતા. જેને લઈને વર્ષોથી પરંપરાગત રીતે મા ઉમાની નગરયાત્રા આ દિવસે કાઢવામાં આવે છે. ચાલીસેક વર્ષો પહેલાં માતાજી પાલખીમાં બિરાજમાન થઈ નગરયાત્રા કરતાં હતાં અને બાદમાં જર્મન- સિલ્વરના નાના રથમાં અને છેલ્લા ચાર વર્ષથી મોટો ભવ્ય રથ તૈયાર કરી તેમાં નગરયાત્રા કરાવવામાં આવે છે.
આગળ વાંચો, જમ્બો કુલર તથા ફોગીંગ સિસ્ટમ ગોઠવાઈ