દિવાળી પૂર્વેનો છેલ્લો રવિવાર ફળ્યો વેપારીઓને બપોરે નવરાશ ના મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તોરણવાળી માતાના ચોક વિસ્તારમાં રવિવારે મેળા જેવો માહોલ જામ્યો હતો.)

મહેસાણા: દિવાળી પૂર્વેના છેલ્લા રવિવારે વેપારીઓને જેવી આશા હતી એના કરતાં પણ વધુ ઘરાકીનો માહોલ જામ્યો હતો. સામાન્ય રીતે રવિવારે શહેરના બજાર બંધ રહે છે પરંતુ ચાર દિવસ બાદ દિવાળી આવતી હોય બજારો ખુલ્લા રહેતાં દિવસભર ધમધમતા રહ્યા હતા.

ગુરુવારે આવતી દિવાળીને પગલે ગત સપ્તાહથી બજારમાં ઘરાકી ખુલી છે. પરંતુ રવિવારે તો બજારનો માહોલ મેળો જેવો બન્યો હતો. રજા હોવા છતાં દુકાનો ખુલ્લી રાખનારા વેપારીઓને પણ સારી ઘરાકી મળતાં હાશકારો થયો હતો. શહેરના તોરણવાળી બજાર, બીકે રોડ, માલ ગોડાઉન, હાઇવે સહિતના મુખ્ય બજારમાં આવેલી કાપડ, રેડીમેડ શોરૂમ, કરીયાણા બજાર, મીઠાઇની દુકાનોમાં ઘરાકી જામી હતી. માલ ગોડાઉનના વેપારી મુકેશભાઇ પટેલ જણાવે છે કે, છેલ્લા કેટલાક દિવસો કરતાં આજે ખરી ઘરાકી જોવા મળી હતી. સવારથી લઇને સાંજ સુધી ગ્રાહકો રહ્યા હતા. અાશા હતી એના કરતાં પણ વધુ ગ્રાહકો બજારમાં દેખાયા હતા. બપોરે પણ નવરાશ મળી ન હતી. રેડીમેડ કપડાંના વેપારી શૈલેષભાઇ જણાવે છે કે, નવરાત્રીથી ઘરાકી ખુલી હતી. જોકે રવિવારે તો સવારે દુકાને આવ્યા ત્યારથી ગ્રાહકો આવવા શરૂ થયા હતા. સાંજ સુધી આવો માહોલ રહ્યો હતો.

દિવાળી એટલે દિવાળી
પોતાના દિકરાના કપડાં લેવા આવેલા કાન્તાબેન પટેલે કહ્યું હતું કે, મોંઘવારી ગમે તેવી હોય, પણ દિવાળી એટલે દિવાળી. દિવાળી તો કરવી જ પડે.

ગુર્જરી બજાર ધમધમ્યું
શહેરના ફુવારા ચોકથી રાજ મહેલના રોડ પર દુકાનો બહાર દર રવિવારે ગુર્જરી ભરાય છે. જોકે આ રવિવારે તો અહીં મેળા જેવો માહોલ જામ્યો હતો. નાના છોકરાંના કપડાંથી લઇને ગૃહ સજાવટના નાના માોટા લેમ્પ, શો પીસ સહિતની વસ્તુઓનું વેચાણ થયું હતું.