ઉમતાના યુવકનું અપહરણ કરનાર બે શખ્સોની રાજસ્થાનથી ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અપહૃ•ત યુવકનો છુટકારો થતાં પરિવારજનોને હાશકારો

વિસનગર તાલુકાના ઉમતા ગામના ભેંસોની લે-વેચ કરતાં યુવકનું અપહરણ કરનારા રાજસ્થાનના બે શખ્સોને વિસનગર પોલીસે રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લીધા હતા અને અપહૃ•ત યુવકને તેમની ચુંગાલમાંથી બચાવી લીધો હતો. આથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

તાલુકાના ઉમતા ગામના અને ભેંસોની લે-વેચ કરતા પટેલ કિરણભાઇ ગોવિંદભાઇને શુક્રવારે સાંજે રાજસ્થાનના મુન્નાભાઇ નામનો શખ્સ આવી ખેરાલુ તાલુકાના હીરવાણી ગામમાં સાગરભાઇના ઘરે જવાનું કહી ગાડીમાં લઇ ગયો હતો. ને મોડી રાત સુધી ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ભાળ ન મળતાં પોલીસને જાણ કરી હતી. જ્યાં રાત્રીના ત્રણ વાગ્યે કિરણભાઇએ તેમના સંબંધીને ફોન કરી મુન્નાભાઇ નામનો શખ્સ તેને રાજસ્થાન લઇ ગયો હોવાનું જણાવ્યું હતું. જ્યારે મુન્નાભાઇ નામના શખ્સે ભીલવાડાની આંગડીયા પેઢીમાં રૂ.૩,૨૨,૦૦૦ તેના નામથી જ પૈસા મોકલી આપવા ધમકી આપી હતી. આથી પરિવારજનોએ તાત્કાલિક વિસનગર પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

પીઆઇ જે.ટી. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.બી.ગઢવી સહિ‌તનો સ્ટાફ રાજસ્થાનના ભીલવાડા ગયો હતો અને રાજસ્થાન પોલીસની મદદથી મોબાઇલ લોકેશનને આધારે અપહરણકર્તા ઉસ્માનખાન સલીમખાન અલ્લાદીનખાન કાયમખાની (રહે. બોલીયા સ્ટેશન, તા.બનેડા, જિ.ભીલવાડા) અને મન્નાખાન સાકેતખાન હૈબીબખાન કાયમખાની (રહે. કાયમપુરા, તા.શાહપુરા, જિ.ભીલવાડા)ને ઝડપી લીધા હતા. પોલીસે અપહરણમાં વપરાયેલી બોલેરો ગાડી પણ કબજે લીધી હતી. જ્યારે કિરણભાઇને હેમખેમ બચાવી લેવાયા હતા.

વિસનગર પોલીસે કેવી રીતે પાર પાડયું ઓપરેશન

કિરણભાઇ પટેલ એટલી હદે ડરી ગયા હતા કે પરિવારજનો પૈસા નહીં મોકલે તો આ શખ્સો તેમને મારી નાંખશે તેવું ફોન ઉપર જણાવતા હતા. જેથી પોલીસે રાજસ્થાન પોલીસની મદદ લઇ સૌપ્રથમ રૂ.૧,૮૦,૦૦૦નો ભીલવાડાની રાજેશ જયેશભાઇ આંગડીયા પેઢીમાં હવાલો પડાવ્યો હતો અને આરોપીઓને પરિવારજનો મારફતે જાણ કરી હતી. જે હવાલો લેવા ઉસ્માનખાન ત્યાં આવતાં તેને પકડી લીધો હતો. ત્યારબાદ રૂ.૧,૨૦,૦૦૦ નો હવાલો પડી ગયો છે તેવો ફોન કરતાં મુન્નાખાન કિરણને છોડી દેવા તેમજ પૈસા લેવા માટે આવતાં તેને પણ ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પૈસા કરતાં યુવકનો જીવ મહત્વનો હતો, જેથી આરોપીઓને સતત તેમને પૈસા આપી દેવામાં આવશે તેમ જણાવાતું હતું.