• Gujarati News
  • In The Aftermath Of Two Cousin Sisters Duskarma On Group Conflict

બે પિતરાઇ બહેનો પર દુષ્કર્મની ઘટનાને પગલે જૂથ અથડામણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાના ચલુવા ગામની ઘટના : હુમલામાં ત્રણ જણાને ઇજા
ડેરીમાં દૂધ ભરાવીને પરત જતી બે બહેનો સાથે દુષ્કર્મથી ગામમાં તંગદિલી
ચાર જણા સામે હુમલાની ફરિયાદ
એક સગીર અને એક યુવક વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાયો


ચલુવા ગામની ડેરીમાં મંગળવારે સાંજે દૂધ ભરાવીને ઘર તરફ જઇ રહેલી બે સગીર વયની પિતરાઇ બહેનો પર ગામના જ બે શખ્સોએ બળાત્કાર ગુજારવાની ઘટનાએ ગામમાં ચકચાર જગાવી છે. આ ઘટનાને પગલે સગીરા અને યુવકોના જૂથ આમને સામને આવી જતાં ગામમાં તંગદિલી છવાઇ ગઇ હતી. ઘટનાને પગલે લાંઘણજ પોલીસે ગામે દોડી જઇ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બંને ઘટનાની લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મહેસાણા તાલુકાના ચલુવા ગામની સીમમાં રહેતી ૧૪ વર્ષની બે પિતરાઇ બહેનો મંગળવારે સાંજે છ વાગે દૂધ ભરાવવા ગામની ડેરીએ જઇ હતી. અહીં દૂધ ભરાવીને બંને બહેનો ઘર તરફ પરત ફરી રહી હતી તે સમયે તેમનો પીછો કરતાં પાછળ આવી રહેલો ગામનો એક સગીર તેમજ રાકેશજી રાજુજી ઠાકોર નામના યુવકે અંધકારનો લાભ લઇ આ બંને સગીરાઓને છરીની અણીએ મોઢું દબાવી ગામના તળાવ પાસે લઇ ગયા હતા અને નજીકમાં ખાડામાં તેમની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુર્જાયો હતો. બીજીબાજુ સાત વાગવા છતાં બંને બહેનો ઘરે પરત નહીં ફરતાં પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન તળાવ નજીક પહોંચેલા યુવાને પોતાની બહેનોને ગામના યુવાનો સાથે કઢંગી હાલતમાં જોઇ ચોંકી ગયો હતો. જ્યારે બળાત્કાર ગુજારનાર શખ્સો ઝડપાઇ જવાના ડરથી ભાગી ગયા હતા.

આ ઘટનાને પગલે સગીરાના પરિવારજનો તેમજ યુવકના પરિવારજનો રાત્રે ૧૨ વાગે આમને સામને આવી જતાં અથડામણ સર્જા‍ઇ હતી. જેને પગલે ગામમાં તંગદિલી વ્યાપી ગઇ હતી. જૂથ અથડામણમાં ઇજા પામેલા ત્રણ વ્યકિતઓને સારવાર માટે લાંઘણજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી અપાયા હતા.

આ બનાવ અંગે રમેશજી શંકરજી ઠાકોરે લાંઘણજ પોલીસ મથકમાં રજુજી રાજુજી ઠાકોર, અશોકજી રજુજી ઠાકોર, દિલીપજી ઉર્ફે કાળુજી રજુજી ઠાકોર અને કાળાજી નાનાજી ઠાકોરની વિરુદ્ધમાં હુમલા સંદર્ભે ફરિયાદ નોંધાવી છે. જ્યારે એક સગીર તેમજ રાકેશજી રાજુજી ઠાકોર વિરુદ્ધ બળાત્કાર અંગે ગુનો નોંધાયો હતો.


બંને સગીરાઓને મેડિકલ માટે સિવિલમાં ખસેડાઇ
આંબલિયાસણ નજીક ગેંગ રેપનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો

તાલુકાના આંબલિયાસણ નજીક પિન્ક બંગ્લોઝ વિસ્તારમાં બે દિવસ અગાઉ ૭ થી૮ વ્યકિતઓએ એક યુવતી પર બળાત્કાર ગુર્જાયો હોવાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. જોકે, પોલીસ મથક સુધી આ બનાવની ફરિયાદ પહોંચે તે પહેલાં કેટલાક વ્યકિતઓ ગુનો ન નોંધાવવા સહિ‌તના દબાણો લઇ પોલીસ અધિકારીને મળતાં તેઓ ચોંકી ગયા હતા. જોકે, ભોગ બનનાર પોલીસ સમક્ષ નહીં આવતાં પોલીસે અંદરખાને આ પ્રકરણની તપાસનો દોર લંબાવ્યો છે.

ગામના સગીર તેમજ યુવાનની હવસનો ભોગ બનેલી બંને સગીરાઓને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ માટે લવાઇ હતી. અહીં મેડિકલ ચકાસણી બાદ તેણીના ર્વીયના નમૂના એફએસએલમાં મોકલી આપી બળાત્કાર થયો છે કે કેમ તેની ખરાઇ કરવા સહિ‌તની કાર્યવાહી હાથ ધરાઇ છે.

ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
ચલુવા ગામે બે સગીર પિતરાઇ બહેનો પર ગુજારાયેલા બળાત્કારની ઘટનાને પગલે સર્જા‍યેલી તંગદિલીના કારણે વધુ કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પીએસઆઇ સહિ‌ત ૧૨ પોલીસ જવાનોને તૈનાત કરાયા છે. આજે દિવસભર અજંપાભરી સ્થિતિ જોવા મળી હતી.