• Gujarati News
  • Human Chain Makes And Mataji Light Carry In Arbudadham Of Mehsana

આબુ પર્વતથી માનવસાંકળ રચી માની જયોત મહેસાણા અર્બુદાધામ લવાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર ગુજરાતના ચૌધરી સમાજને જોડીને સમાજના ઉત્કર્ષ માટેના પ્રયાસ રૂપે મહેસાણા નજીક અર્બુધામનું નિર્માણ કરાયું
૧થી ૩જી જુન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે
મહેસાણા નજીક ગઢા-બાસણા સ્ટેન્ડ પાસે નિર્માણ પામેલા વિશાળ અર્બુદાધામમાં ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આબુ પર્વતથી અર્બુદા માતાજી તથા ગુલાબગંજથી આંજણા માતાજીની જયોત ૧૬૫ કિમી લાંબી ૧ લાખ ૬૦ હજાર શ્રદ્ધાળુઓની માનવ સાંકળ રચીને મહેસાણા લાવવામાં આવશે અને હેલીકોપ્ટરથી પૂષ્પવર્ષા કરાશે.
શ્રી અર્બુદા માતાજી, શ્રી આંજણી માતાજી, શ્રી લક્ષ્મી માતાજી તથા અન્ય દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા માટે ૧લીથી ૩જી જુન દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં ત્રિ આહ્નિક શતચંડી મહાયજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત ‘દિકરી મારી લાકડવાઈ’ નાટક (બેટી બચાવો), લોકડાયરો, મહારક્તદાન કેમ્પ (૧૨૫૩ બોટલ રક્ત એકત્રિત કરાશે), ચૌધરી આંજણા સમાજનું મહાસંમેલન સહિત વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. હાલમાં અર્બુદાધામ ખાતે મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આંજણા અર્બુદા ફાઉન્ડેશન ગુજરાતના પ્રમુખ પ્રતાપભાઈ જી. ચૌધરી (જાખડ), કન્વીનર નરસિંહભાઈ જી. ચૌધરી સહિત હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, ગુજરાતના સમગ્ર સમાજને એક મંચ પર જોડવો, સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય, સમૂહલગ્નોનું આયોજન, વ્યસનમુક્તિ, ગોળ પ્રથા નાબુદી, વિવિધ તાલીમ શિબિરોથી યુવાનોમાં રોજગારી, મહિલાઓનો વિકાસ જેવા સમાજના ઉત્કર્ષના સાત મુદ્દા સાથે માતાજીના આશીર્વાદ સાથે આ ભગીરથ કાર્ય આરંભાયું છે.
જે માટે સમગ્ર ગુજરાતનાં સમાજનાં ૧૨૫૩ ગામોમાં ૩ વર્ષ અને ૯ દિવસ માટે પ્રતાપભાઈ જાખડની આગેવાનીમાં રથ ફેરવતાં સમાજમાં જાગૃતિ કેળવાઈ છે. અત્યાર સુધી રૂ.૫ કરોડ જેટલી જંગી રકમનું અનુદાન મળ્યું છે. જેનાથી આ અર્બુદાધામ, સભાખંડ, વિશ્રાંતિગૃહ, પાણીની ટાંકી, રોડ, સંસ્થાનો પ્રવેશદ્વાર વગેરેનું કન્સ્ટ્રકશન પૂર્ણતાના આરે છે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય માટે રૂ.૧ કરોડની ડિપોઝીટ કરવામાં આવી છે. ત્રીજી જુને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ અન્ય મંત્રીઓ, સમાજના તથા અન્ય સમાજના આગેવાનો તેમજ સમગ્ર ગુજરાતના ચૌધરી સમાજના લોકોનું મહા સંમેલન યોજાશે. સમાજના ૩૧ અરજદાર વિદ્યાર્થીઓને ૨૫ હજારના ચેક મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરાશે.