• Gujarati News
  • Highways Etiviti The Applicants Down To A Central Server Privation

વિસનગર એટીવીટી કેન્દ્રનું સર્વર ડાઉન થતાં અરજદારોને હાલાકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારથી બંધ પડેલું સર્વર મંગળવારે ચાલુ તો થયું પણ સાવ ધીમું ચાલતું હોઇ સમસ્યા ઠેરની ઠેર
ક્રિમીલીયર, ડોમીસાઇલ તેમજ આવકના દાખલા લેવા લોકોએ કલાકો સુધી ઊભા રહેવું પડતું હોઇ રોષ


વિસનગર તાલુકા સેવાસદન ખાતે આવેલા એટીવીટી સેન્ટરનું સર્વર ડાઉન થઇ જતાં ક્રિમીલીયર, ડોમીસાઇલ તેમજ આવકના દાખલા લેવા આવેલા અરજદારો અટવાઇ પડયા હતા. જ્યારે મંગળવારે સર્વર સાવ ધીમું ચાલતું હોઇ અરજદારોની લાઇનો લાગી હતી.

અહીં હાલ આવકના દાખલા, ક્રિમીલીયર તેમજ જાતિના દાખલા લેવા માટે ભીડ જામે છે. ઉપરાંત, રેશનીંગ કાર્ડના સુધારા- વધારા તેમજ નામ કમી-ઉમેરવાની પણ કામગીરી થાય છે. શુક્રવારે બપોરથી સર્વર ડાઉન થઇ જતાં એટીવીટીની કામગીરી બંધ રહી હતી. જેના કારણે દાખલા કઢાવવા આવેલા અરજદારોને ધક્કો ખાવાનો વારો આવતાં ફરજ પરના કર્મચારીઓ ઉપર રોષ ઠાલવ્યો હતો.

શુક્રવાર બપોરે ડાઉન થઇ ગયેલ સર્વર સોમવારે બપોરે શરૂ થયું હતું. પણ તે સાવ ધીમું ચાલતું હોઇ મંગળવારે અરજદારોની ભીડ જામી હતી. હાલમાં એટીવીટી સેન્ટરમાં ત્રણ ઓપરેટરો કામ કરે છે. જેમાં દરરોજની ૨પ૦ કરતાં પણ વધારે અરજીઓ આવતી હોય છે, એમાંય સર્વર ડાઉન થવાથી કામગીરી થઇ શકતી નથી. આ અંગે નાયબ મામલતદાર વૈષ્ણવભાઇ શ્રીપાલે જણાવ્યું હતું કે, સર્વર ડાઉન થઇ જતાં સમસ્યા સર્જા‍ઇ હતી.

કાર્ડધારકોને તકલીફ
તાલુકામાં ઘણા લોકો બીપીએલ કાર્ડથી વંચિત હોવાનું તેમજ ઘણા સુખી સંપન્ન લોકો પાસે બીપીએલ કાર્ડ હોવાની વિસનગરના સંજય ચૌધરીએ મામલતદારને રજૂઆત કરી છે. આ રજૂઆતમાં ખોટા બીપીએલ કાર્ડ રદ કરવા તેમજ સાચા લાભાર્થીઓને રેશનીંગનું વસ્તુઓ લેવામાં પડતી તફલીફો નિવારવા જણાવ્યું છે.

વિસનગરમાં મંગળવારે એટીવીટી સેન્ટરનું સર્વર ધીમું હોઇ અરજદારોની લાઇન લાગી હતી. -ઇન્દ્રવદન ભટ્ટ