સાકડી ગલીઓમાં 70 કિ.મી. ઝડપે દોડતા બળદે થંભાવી દીધા શ્વાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલમ ગામની સાંકડી ગલીઓમાં ૬૦ થી ૭૦ કિ.મી.ની ઝડપે દોડતા બળદના ગાડાઓનું દ્રશ્ય શ્વાસ થંભાવી દીધા

વિસનગર તાલુકાના વાલમ ગામમાં ચૈત્રમાસમાં યોજાતો હાથિયા ઠાઠુનો બે દિવસીય મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.લોકશક્તિ અને દૈવી શક્તિના સમન્વયના દર્શન કરાવતા આ મહોત્સવમાં મોડી રાત્રે ગામની સાંકડી ગલીઓમાં પાણીદાર બળદો સાથે હાથિયા તેમજ ઠાઠુ દોડતા ગ્રામજનોનું દ્રશ્ય નિહાળી લોકોના શ્વાસ થંભાવી દીધા હતા.

તાલુકાના વાલમ ગામમાં ચાલતા પરંપરાગત હાથિયા ઠાઠુ મહોત્સવની શરૂઆત ચૈત્રી પૂનમથી કરવામાં આવી હતી જેમાં મા સુલેશ્વરીની પધરામણી આખા ગામમાં ઘેર ઘેર કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જ્યારે ચૈત્ર વદ પાંચમના રોજ માતાજીની પલ્લી, છઠ્ઠના દિવસે દેવીપૂજક ભાઇ દ્વારા ખીચડો ભરેલુ માટલુ માના ચોકમાં પછાડી વર્ષ સારૂ જાય તેવા શુકન,સાતમના દિવસે નાયક ભાઇઓ હોકો નામનું જુઠાણું ચલાવવું જેવા ધાર્મિ‌ક કાર્યક્રમો યોજાયા હતા.

જ્યારે ચૈત્ર વદ નોમ-દસમની રાત્રી એટલે તહેવારની ચરમસીમા નોમની રાત્રીએ ચોપાડીયા નામના સ્થળે મુળ હાથિયો તેમજ થડાના ચોકમાંથી ઠાઠુ એમ આ બંન્ને રથ રાત્રે તૈયાર કરાયા હતા. જ્યાંથી બંન્ને રથને ગામના સરદાર ચોકમાં લાવી ગામની વાંકીચુકી ગલીઓમાં તીવ્ર ગતીથી દોડાવવામાં આવ્યા હતા જેમાં ગામના સૌ અબાલ વૃધ્ધ હાથમાં નાની લાકડીઓ લઇ બોલો સુલઇ માતાકી જયના નારા સાથે આગળ દોડતા નજરે પડતા હતા. જ્યારે બીજા દિવસે હાથિયો ચકલીયાના ચોકમાંથી નીકળી થડાના ચોકમાં ઠાઠાને લેવા ગયો હતો જ્યાંથી બંન્ને રથ સરદાર ચોકમાં આવ્યા હતા જ્યાંથી હરિફાઇ યોજાઇ હતી.

જેમાં લોકોને આજના વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં માણસો અને ચાર ચાર બળદોના રથને ગામની વાંકીચુકી સાંકડી ગલીઓમાં ૬૦ થી ૭૦ કિ.મી.ની ઝડપે દોડતા જોવા એક અનેરો લ્હાવો મળ્યો હતો જ્યારે શુક્રવારે વહેલી સવારે હાથિયા ઠાઠુ મહોત્સવ સંપન્ન થયો હતો. કેવી રીતે તૈયાર થાય છે હાથિયા-ઠાઠુ મહોત્સવમાં હાથિયા-ઠાઠુ માટે હરિજનો લાકડુ કાપીને લાવે છે અને સુથારને ઘડે છે. રથોની ગુંથણી ગામના પટેલ ભાઇઓ તૈયાર કરવામાં આવે છે. તૈયાર કર્યા બાદ બંન્ને રથને વહેલી પરોઢીયે ચાર બળદો જોડીને ગામની પલ્લવી માતા તેમજ કાળકા માતાના દર્શનાર્થે લઇ જઇ હરિફાઇ કરવામાં આવે છે.