નંદાસણપંથકના ૫૦ દેવીપૂજકો શ્રીનગર પૂર સંકટમાં ફસાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - કશ્મીરમાં પૂરની સ્થિતી)

-ધંધાર્થે શ્રીનગરમાં સ્થાયી થયેલા દેવીપૂજકોનો પરિવારજનોથી સંપર્ક તૂટ્યો
- ત્રણ દિવસ અગાઉ તેઓ શ્રીનગરની કરણનગર ગુપ્તા હોટલ નજીક સ્કૂલમાં ફસાયા હતા

કડી: અઠવાડિયાથી પૂરસંકટનો સામનો કરી રહેલા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં વર્ષોથી કપડાંના વ્યવસાય અર્થે સ્થાયી થયેલા કડીના નંદાસણ, ડાંગરવા, માથાસુર તથા ટાંકીયાના ૫૦ જેટલા દેવીપૂજકો પૂરમાં ફસાતાં છેલ્લા ત્રણ દિવસથી સંપર્ક વિહોણા હોઈ પરિવારજનો ચિંતીત બન્યાં છે. નંદાસણના પરિચિતોએ સ્થાનિક સરપંચ સાથે કડી મામલતદારને જાણ કરતાં તંત્ર હરકતમાં આવ્યું છે.જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે જળસંકટથી તારાજી સર્જાતાં સ્થિતિ ચિંતાજનક બની છે અને લશ્કરના જવાનો જીવના જોખમે પૂરમાં ફસાયેલા લોકોને જળસંકટમાંથી બહાર કાઢી રહ્યા છે ત્યારે સક્રિય થયેલા ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જિલ્લા કલેક્ટરો પાસે તેમના વિસ્તારોમાંથી જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા લોકોનો અહેવાલ માંગ્યો છે.

દરમિયાન નંદાસણ ગામના દેવીપૂજક જગદીશભાઈ, કનુભાઈ સહિતે નંદાસણના સરપંચ સૈયદ અહેમદહુસેન મીરસાબમીયાંને જાણ કરી હતી કે, નંદાસણ, ડાંગરવા, ટાંકીયા, માથાસુર સહિત ગામોના આશરે ૫૦ જેટલા દેવીપૂજકો જે આશરે ૩૦ વર્ષથી કપડાંના વ્યવસાય અર્થે શ્રીનગરમાં સ્થાયી થયા છે. જેમનો પૂરસંકટના કારણે છેલ્લા ત્રણ દિવસથી કોઈ સંપર્ક થતો નથી. જેથી સરપંચે આ અંગે કડી મામલતદાર વિમલ પટેલને જાણ કરી છે અને મામલતદાર કચેરીએ પહોંચીને શ્રીનગરમાં ફસાયેલા ૫૦ જેટલા દેવીપૂજકોના નામ સરનામા તથા છેલ્લે ત્રણ દિવસ અગાઉ તેઓ શ્રીનગરની કરણનગર ગુપ્તા હોટલ નજીક નેશનલ સ્કૂલમાં ફસાયા હોવાની વિગતો અાપતાં સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે.