પાટણ શહેરમાં રેલ્વે ઓવરબ્રિજના એપ્રોચ રોડને લીલીઝંડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા-ડીસા હાઇવે ફાટકની બંને તરફ રૂ. ૧૯.૨૪ કરોડના ખર્ચે એપ્રોચ રોડ બનશે : આગામી શનિવારે ખાતમુહૂર્ત સાથે કામ શરૂ થશે
પાટણ શહેરમાં રેલ્વે ઓવરબ્રિજની જરૂરીયાતને દિવ્ય ભાસ્કરે અવારનવાર વાચા આપી અને હવે રેલ્વે ઓવરબ્રિજનું સપનું સાકાર થઇ રહ્યું છે. રાજ્ય સરકારે શહેરમાં ચાણસ્મા ફાટકથી બંને તરફ રૂ. ૧૯.૨૪ કરોડના ખર્ચે એપ્રોચ રોડના કામ માટે સંમતિ આપી દીધી છે અને શનિવારે ખાતમુહૂર્ત સાથે કામગીરી શરૂ પણ થઇ જશે. જ્યારે રેલ્વે હદમાં પુલની મંજૂરીની કામગીરી રેલ્વે તંત્રમાં પ્રગતિ હેઠળ હોવાનું સુમાહિ‌તગાર સૂત્રોએ જણાવ્યું હતું.
શહેરમાં ચાણસ્મા-પાટણ અને ડીસા હાઇવેને સ્પર્શતા રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ (પુલ) તેમજ પ્રવેશમાર્ગની કામગીરી રેલ્વે સાથે કોસ્ટ શેરીંગ ધોરણે હાથ ધરવા રૂ. ૩પ૦૦ લાખની રાજ્ય સરકાર દ્વારા ૧ર માર્ચ ર૦૧૨ના રોજ સૌદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ૧૭ ઓગસ્ટ ર૦૧રથી પ્રવેશમાર્ગની કામગીરી માટે રૂ. ૨૯૧૭.૭૯ લાખની તાંત્રિક મંજૂરી મળી હતી.
જેને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલના માર્ગ માટે ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને નિયુક્ત એજન્સીને રૂ. ૧૯.૨૪ કરોડના ખર્ચે, પ્રવેશમાર્ગ બનાવવા તાજેતરમાં ૩૧ જાન્યુઆરીએ વર્કઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે અને રેલ્વે ફાટકથી ચાણસ્મા અને ડીસા એમ બંને તરફ એપ્રોચ રોડની કામગીરી ૧પ મહિ‌નામાં એટલે કે, આગામી ૩૦ એપ્રિલ ૨૦૧૪ સુધીમાં પૂર્ણ કરવાની અવધિ પણ નક્કી કરી દેવામાં આવી છે.
હવે આગામી શનિવારે મંત્રીના હસ્તે રેલ્વે પુલને સ્પર્શતા પ્રવેશમાર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાનાર છે અને પુલ કામગીરી શરૂ થઇ જશે ત્યારે શહેરીજનોને ટ્રેનના આવાગમન ફાટક બંધ રહેતાં વાહનચાલકોએ લાંબો સમય ઉભુ રહેવું પડતું હતુ એમાંથી મુક્તિ મળશે અને ઓવરબ્રિજ માટેનો રાહ વાહનચાલકો માટે ધમધમતો રહેશે.
સાંસદ રેલ્વેમાં પુલ મંજૂર કરાવો
પાટણમાં લોકસભાના સાંસદ જગદીશભાઇ ઠાકોર અને રાજ્યસભાના સાંસદ દિલીપભાઇ પંડ્યા એમ બે-બે સાંસદ પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. રાજ્ય સરકારે ઓવરબ્રિજ માટે એપ્રોચ રોડને લીલીઝંડી આપી દીધી છે ત્યારે રેલ્વે હદમાં પુલ બનાવવા પણ સત્વરે દિલ્હીમાં પાટણના સાંસદ ગતિવંત બને તેવો સૂર ઉઠયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે, રેલ્વે હદમાં પુલની સંભવિત ઉંચાઇ ૮.૩૨પ મીટર અંદાજવામાં આવી છે.
બંને તરફ કેવો બનશે એપ્રોચરોડ
રેલ્વે હદના પુલને જોડતો બંને તરફનો એપ્રોચરોડ ચાણસ્મા તરફ ૪૪૨.પપ મીટર લંબાઇ સુધી એટલે કે જીઇબીના ગેટ સુધી બનશે જ્યારે ડીસા તરફ ૩૮૪.૨૮ મીટર લંબાઇ સુધીનો એપ્રોચરોડ ગરનાળાથી સહેજ આગળ ગોલ્ડન ચોકડી સુધી બનશે. બંને તરફ ૧૬.પ૦ મીટર પહોળો એપ્રોચ રોડ બનશે.
પુલ નીચે ક્યાં ક્યાંથી પ્રવેશ માર્ગ
એપ્રોચ રોડ નીચે દિવાલ આવી જશે. જેમાં નાળા નજીક અને બીકે પાર્ટીપ્લોટ નજીક ર૧ મીટર પહોળો અને ૭ મીટર લંબાઇનો પ્રવેશમાર્ગ બનાવાશે. શાંતિનિકેતન સ્કૂલ નજીક ૪ મીટર ઉંચાઇ, ૧૦ મીટર પહોળો પ્રવેશ માર્ગ બનશે. જીઇબી નજીક પાંચ મીટર ઉંચાઇ અને ર૧ મીટર પહોળાઇનો પ્રવેશદ્વાર નિકળવા માટે બનાવાશે.
બંને તરફ ફુટપાથ સાથે સર્વિ‌સ રોડ બનશે
પાટણમાં રેલ્વે ફાટકના એપ્રોચરોડની ડીસા અને ચાણસ્મા હાઇવેની બંને તરફ ફુટપાથ બનશે. પ.પ મીટરનો સર્વિ‌સ રોડ બનાવવામાં આવશે.
રેલ્વે હદમાં પુલની મંજૂરી પ્રગતિ હેઠળ
રેલ્વે હદમાં પુલની કામગીરી માટે રૂ. ૯૩૪.૦૯ લાખના પ્રાથમિક અંદાજ રેલ્વે વિભાગને રાજ્યના આરએન્ડબી તંત્ર દ્વારા સુપરત કરાયેલ છે. આ કામગીરી રેલ્વે તંત્રએ કરવાની થાય છે. પુલની મંજૂરી માટેની કામગીરી રેલ્વે તંત્રમાં પ્રગતિ હેઠળ હોવાનું સુમાહિ‌તગાર સૂત્રોએ જણાવ્યું હતું.
શહેરીજનો હજુ યુનિવર્સિ‌ટી ફાટકે પણ ઓવરબ્રિજ ઝંખે છે
જિલ્લાની વડી કચેરીઓ જ્યાં આવેલી છે એ રાજમહેલ રોડથી યુનિવર્સિ‌ટી તરફ જતાં રેલ્વે ફાટક રોડ પર વાહન ટ્રાફિક વધુ રહેતો હોય છે. જે-તે વખતે બંને ફાટકે ઓવરબ્રિજની વાત હતી. પરંતુ યુનિવર્સિ‌ટી રોડના રેલ્વે ફાટકે સ્પેશ ન મળતાં ફાઇલ અભરાઇએ ચઢી ગઇ છે. અહીંયા પણ ઓવરબ્રિજની તાતી જરૂરીયાત છે.