તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરામાં કલબના ઓથા હેઠળ ચાલતા જુગારધામમાંથી આઠ નબીરા ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રોકડ રૂ.૪૯,૨૦૦ તેમજ ૧૧ મોબાઇલ મળી કુલ રૂ.૯૨,૭૦૦ની મત્તા જપ્ત
- જુગારીઓને ચાર કલાકમાં જ છોડી મૂકાતાં તર્ક-વિતર્ક


પરા દરગાહની સામે આવેલી શ્રીરામ કલબના ઓથા હેઠળ જુગાર રમાતો હોવાની ચોક્કસ માહિ‌તીને આધારે એ ડિવિજન પોલીસે શનિવારે સાંજે ઓચિંતી રેડ કરી હતી. જેમાં પોલીસે રોકડ રૂ.૪૯,૨૦૦ તેમજ ૧૧ મોબાઇલ મળી કુલ રૂ.૯૨,૭૦૦ની મત્તા સાથે આઠ નબીરાઓને ઝડપી લીધા હતા. જોકે, સામાન્ય માણસને જુગારના કેસમાં ૨૪ કલાક પછી પણ નહીં છોડતી પોલીસે આ તમામ જુગારીને ગણતરીના માત્ર ચાર કલાકમાં જ છોડી મૂકતાં પોલીસની કામગીરી સામે તર્ક-વિતર્ક ખડા થયા છે.

શહેરના પરા વિસ્તારમાં આવેલી પરા દરગાહની સામે શ્રીરામ કલબના ઓથા હેઠળ પિયુષ ભગુભાઇ પટેલ બહારથી માણસો બોલાવીને મોટાપાયે જુગાર રમાડતો હોવાની ચોક્કસ માહિ‌તીને આધારે એ ડિવિજન પીઆઇ રાકેશ પટેલ, એએસઆઇ શબ્બીરખાન, પોકો સુરેશભાઇ સોલંકી, જયેશભાઇ રાયકા, હેકો નટવરભાઇ, ગોવિંદભાઇ પ્રજાપતિએ શનિવારે સાંજે પાંચ કલાકે અહીં ઓચિંતી રેડ કરી હતી. કલબના દરવાજાને અંદરથી તાળું મારી જુગાર રમતાં જુગારીઓ પોલીસને જોઇ ફફડી ઉઠયા હતા.

પોલીસે કલબનું તાળું ખોલાવી ર્કોડન કરીને તમામ જુગારીઓને ઝડપી લીધા હતા. રેડ દરમિયાન જુગારધામ પરથી રોકડ રૂ.૪૯,૨૦૦ તેમજ ૧૧ મોબાઇલ મળી કુલ રૂ.૯૨,૭૦૦ની મત્તા સાથે આઠ શખ્સો ઝડપાઇ ગયા હતા. જેમની સામે પોલીસે જુગારઘારા અંતર્ગત કાર્યવાહી કરી હતી.

અગાઉ સ્નૂકર્સ કલબનું લાઇસન્સ લેવાયું હતું

શ્રીરામ કલબમાંથી જુગારધામ ઝડપાવા અંગે પીઆઇ રાકેશ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ સ્નૂકર રમવા માટે કલબનું લાઇસન્સ લેવાયું હતું. પરંતુ તે ઘણા સમયથી બંધ થઇ ગયેલ છે. અહીં જુગાર રમાતો હોવાની માહિ‌તી હોઇ લાંબા સમયથી વોચમાં હતા.

ઝડપાયેલા નબીરાઓ
પિયુષ ભગુભાઇ પટેલ રહે.પરા
ભરતભાઇ કાળુભાઇ ચૌધરી રહે.તાવડીયા,
જશ્મીન બાબુભાઇ ચૌધરી રહે.તાવડીયા,
રાકેશ અમૃતલાલ લીમ્બાચીયા રહે.શિવશક્તિ ફલેટ,
અજીત ડાહ્યાભાઇ ચૌધરી રહે.તાવડીયા,
ચિરાગ નારણભાઇ પ્રજાપતિ રહે.રાધેશ્યામ સોસાયટી
રાકેશ પ્રવિણભાઇ સોની (રહે.પરા સ્કૂલપાસે)
હેમંતભાઇ બાબુભાઇશાહ રહે.આઝાદચોક