• Gujarati News
  • Forrester Mehsana Against The Violence Of The Complaint

મહેસાણાના ફોરેસ્ટર સહિ‌ત ચાર વિરુદ્ધ મારપીટ કર્યાની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-મહેસાણાના ફોરેસ્ટર સહિ‌ત ચાર વિરુદ્ધ મારપીટ કર્યાની ફરિયાદ
-પગાર બાબતે ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરતાં માર માર્યો
મહેસાણા વન વિભાગમાં ફરજ બજાવતા રોજમદારના પરિવારને ત્રણ-ચાર માસથી પગાર ન મળતાં તેમણે ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતને પગલે ફોરેસ્ટર સહિ‌ત ચાર કર્મચારીઓએ તેમને ગડદાપાટુનો માર મારી જાતિ વિષયક અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે રોજમદારે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ચકચાર પ્રસરી છે.
મહેસાણાના પરિક્ષેત્ર વન વિભાગ સરકારી ક્વાર્ટરમાં રહેતા અને રોજમદાર તરીકે ફરજ બજાવતા પરમાર મનુભાઈ રતિભાઈ (૪૬) તેમનાં પત્ની તથા બે દિકરા રોજમદાર વન વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવે છે. છેલ્લા ત્રણ-ચાર માસથી પગાર ન મળતાં તેમણે ફોરેસ્ટર સુરેશભાઈ વ્યાસ તથા આરએફઓ સોહરાબખાન લોધીને રજૂઆત કરવા છતાં તેઓએ ગ્રાન્ટ આવે ત્યારે પગાર આપવાનું જણાવ્યું હતું.
છેવટે બીજી નવેમ્બરે મનુભાઈએ આ બાબતે નાયબ વન સંરક્ષકની કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. શુક્રવારે સુરેશભાઈએ મનુભાઈને તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. અહીં સુરેશભાઈ, આરએફઓ સોહરાબખાન લોધી, હેડ ક્લાર્ક રમેશભાઈ ઠાકોર તથા ક્લાર્ક કમ ક્લીનર બળવંતજી ઠાકોરે મોટા સાહેબને અરજી કરી હોઈ પગાર મળશે નહીં વગેરે કહી ક્વાર્ટર ખાલી કરી દેવાનું કહ્યું હતું તેમજ ગડદાપાટુનો માર માર્યો હોવાના આક્ષેપ સાથે મનુભાઈએ ફોરેસ્ટર સુરેશભાઈ વ્યાસ, આરએફઓ સોહરાબખાન લોધી, હેડ ક્લાર્ક રમેશભાઈ ઠાકોર તથા ક્લીનર બળવંતજી ઠાકોર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે
દ્વેષભાવ રાખી ફરિયાદ કરાઇ
ફરિયાદમાં પગાર બાકી હોવા સહિ‌તના કરાયેલા આક્ષેપ તદ્ન પાયાવિહોણા અને ખોટા છે. પગાર મસ્ટરમાંની હાજરી મુજબ બેંક ખાતામાં જમા થાય છે. જોકે સરકારી મકાન ખાલી કરવા માટે કહેવાતાં દ્વેષભાવ રાખી ખોટા આક્ષેપો સાથે ફરિયાદ કરવામાં આવી છે. -એસ.એ.લોદી, ઇન્ચાર્જ આરએફઓ