હૃદયની બિમારીથી પિડાતા પુત્ર સહિત માતાને પિતાએ તરછોડ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-8 માસના બાળકની સારવારનો ખર્ચ ઉપાડવા પિતાનો ઇન્કાર
કરૂણતા | શિક્ષિકા પત્નીએ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોધાવી


મહેસાણા: વિશ્વ આખુ હૃદય દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જન્મથી જ હૃદયની બિમારીથી પિડાતા 8 માસનો માસૂમ માતા-પિતાના લગ્નવિચ્છેદ માટે નિમિત્ત બન્યો છે. હૃદયની ખર્ચાળ સારવાર કરાવવા મુદ્દે હાથ ઊંચા કરનારા પિતાએ પુત્રની સાથો સાથ પત્નીને પણ તરછોડવાનો નિર્ણય લેતાં સમગ્ર મામલો વિજાપુર પોલીસ મથકમાં પહોચ્યો છે. આ અંગે શિક્ષિકા મહિલાએ પતિ તેમજ સાસરીયાં વિરુદ્ધ ફરિયાદ નોધાવતાં તપાસ હાથ ધરાઇ છે.
29મી સપ્ટેમ્બરે વિશ્વ આખુ હૃદય દિવસ તરીકે ઉજવે છે અને આ અંગે જાગૃતિ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે ત્યારે વિજાપુર તાલુકાના એક ગામના 8 માસના બાળકને આ બિમારીના કારણે પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. વિજાપુર તાલુકાના એક ગામમાં રહેતી શિક્ષિકાનાં લગ્ન 2 વર્ષ અગાઉ જામનગરના જામખંભાળીયા ગામે રહેતા જ્ઞાતીના જ યુવાન સાથે થયાં હતાં. 10 મહિના અગાઉ શ્રીમંત બાદ પિયર આવેલી મહિલાએ પુત્રને જન્મ આપ્યાની ખુશી ગણતરીના મહિનાઓમાં દુ:ખમાં પરીણમી હતી. જેમાં પુત્રને હૃદયની બિમારી હોવાનું નિદાન થતાં મહિલા વ્યથિત બની હતી.

જ્યારે સામે પક્ષે તેના પતિએ બિમાર પુત્રની ખર્ચાળ સારવાર કરાવવાનો નનૈયો ભણી પત્નીને તેડી જવાનો ઇન્કાર કરતાં ચાર દિવાલો વચ્ચે ચર્ચાતો પ્રશ્ન વિજાપુર પોલીસ મથકમાં પહોચ્યો હતો. પુત્રના હક્ક માટે શિક્ષિકા મહિલાએ પતિ તેમજ સાસરીયાં વિરુધ્ધ ફરીયાદ આપતાં પીએસઆઇ ડી.એમ.ચૌહાણે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, છેલ્લા દશ મહિનાથી પિયરમાં રહેતી મહિલાએ પતિ સાથે સમાધાનના પ્રયાસ નિષ્ફળ જતાં ફરિયાદ નોધાવી હતી.