તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં ડિવાઈડરનું સુશોભન કામ ચાર મહિ‌નાથી અધ્ધરતાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોઢેરા સર્કલથી ભમરિયા નાળા સુધી પથ્થર કાઢી સિમેન્ટ બ્લોક નાખવાના હતા

મહેસાણાના મોઢેરા સર્કલથી ભમરિયા નાળા સુધીના રસ્તા વચ્ચેના ડિવાઈડરના રિનોવેશનની કામગીરી હાથ ધર્યા બાદ હવે આખો ડિવાઈડર નવો બનાવવો પડે તેવી સ્થિતિ પેદા થતાં 'કરવા ગયા કંસાર અને થઇ ગઇ થૂલી’ જેવો ઘાટ સર્જા‍યો છે. જેના કારણે છેલ્લા ચારેક મહિ‌નાથી આ કામગીરી અટવાઈ પડી છે.

નગરપાલિકા દ્વારા આઠેક માસ પૂર્વે મોઢેરા સર્કલથી ભમરિયા નાળા સુધીના ગૌરવપથના ડિવાઈડરના રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ હતી. જે અંતર્ગત ડિવાઈડર પર લાગેલા કોટાસ્ટોન (લાદી)ના ત્રણ ઈંચ જેટલા જાડા પથ્થર કાઢી નાખી તેના સ્થાને સિમેન્ટ બ્લોક લગાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. કામગીરી ચાર માસમાં પૂર્ણ કરવાની હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા આઠેક માસ પૂર્વે હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત ડિવાઈડરમાંથી પથ્થરો કાઢી લેવાયા બાદ માત્ર ૧૦ ટકા જેટલા ભાગમાં સિમેન્ટ બ્લોક લગાવવાની કામગીરી પૂરી કરાઈ છે અને ત્યાર બાદ કામગીરી અધૂરી છોડી દેવાતાં મહિ‌નાઓથી ડિવાઈડર તૂટેલો પડી રહ્યો છે. રિનોવેશન કરીને સુંદર ડિવાઈડર બનાવવાના સ્થાને હાલમાં તો પથ્થર કાઢી નાખેલો આ તૂટેલો ડિવાઈડર ગૌરવપથની ગરીમા હણી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, યોગ્ય આયોજન વગર સહી સલામત ડિવાઈડરના સુશોભન માટે રૂ.૩.૧૦ લાખના ખર્ચે હાથ ધરાયેલી કામગીરીમાં હવે વધુ ખર્ચ કરી આખેઆખો ડિવાઈડર નવો બનાવવો પડે તેવી સ્થિતિ પેદા થઈ હોઈ પાલિકા દ્વારા કારણ વગર ખોટો ખર્ચ કરાયો હોવાનો ગણગણાટ પણ લોકોમાં થઈ રહ્યો છે.


હવે આખેઆખો ડિવાઈડર નવો બનાવવો પડે તેવું જણાતાં કામગીરી અટકાવાઈ


કામગીરી બંધ હોવા બાબતે પાલિકાની બાંધકામ શાખાના ઈજનેરે જણાવ્યું હતું કે, ડિવાઈડરની બંને બાજુ પ્લાસ્ટર કરવાનું તેમજ પથ્થરના સ્થાને સિમેન્ટ બ્લોક નાખવાનું કામ કોન્ટ્રાક્ટરને સોંપાયું હતું. પરંતુ ડિવાઈડરની કોંક્રીટની સાઈડો જર્જરિત થઈ ગઈ હોઈ પ્લાસ્ટર રહેતું નથી એટલે સાઈડો નવી બનાવવાનું કે કિબ્ર્‍ાંગ નાખવાનું કામ કરવું પડે તેમ હોઈ કામગીરી અટકાવાઈ છે.

અગાઉના કામનું ઠેકાણું પડયું નથી ને બીજાનું કામ મંજૂર પણ કરી નાખ્યું

નગરપાલિકા તંત્ર દ્વારા ૩૦મી એપ્રિલની સામાન્ય સભામાં ફૂવારા ચોકથી હૈદરી ચોક સુધીના ડિવાઈડરમાં પણ પથ્થર કાઢીને સિમેન્ટ બ્લોક નાખવાનું કામ મંજૂર કરાયું છે. અહીં પણ હાલમાં લાગેલા પથ્થર યથાવત્ છે ત્યારે તે ખોલ્યા બાદ આખેઆખો ડિવાઈડર નવો બનાવવો પડે તો નવાઈ નહીં

બગીચામાં બાળકોની રાઈડ્સ મૂકોને : વિપક્ષ

વિપક્ષના નેતા જયદીપસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, સારી હાલતમાં હતા તેવા ડિવાઈડરને સુશોભન કરવા લાખો રૂપિયા ખર્ચીને અણધડ વહીવટ થઈ રહ્યો છે. વિસનગર રોડ પરની ગણેશનગર, અલકનંદા એપાર્ટમેન્ટ, સૌરભ સોસાયટી સહિ‌ત કેટલાય વિસ્તારોમાં પાણી નથી મળતું. પ૦ હજાર ખર્ચે તો’ય તેમને પાણી મળી જાય. મહેસાણા-૧ના બાળકોને રમવા માટે કોઈ બગીચામાં રાઈડ્સ નથી બાળકો ક્યાં જાય?, બિલાડી બાગમાં રાઈડ્સ મૂકવાની વર્ષોથી માગણી કરી છે તે નથી કરતા. અનેક અગત્યનાં કામ છોડીને બિનજરૂરી ખોટા ખર્ચ કરી રહ્યા છે.

ડિવાઈડરનું રિનોવેશન કરી રહ્યા છીએ : ચીફ ઓફિસર
નગરપાલિકાના ચીફ ઓફિસર રમેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, ડિવાઈડર જર્જરિત થઈ ગયો હોઈ નગરસેવકોની રજૂઆત આધારે તેના રિનોવેશનની કામગીરી સામાન્ય સભામાં મંજૂર કરાઈ હતી. માટે તે કામગીરી હાથ ધરાઈ છે.