મહેસાણામાં કરોડોનો પાણીવેરો વસૂલવા ડીડીઓને નોટિસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા-પાટણ જિલ્લાનાં ૭૦૮ગામોનો ૪૧.૧૬ કરોડ તેમજ નવ નગરપાલિકાનો ૨૬.૪૦ કરોડ પાણીવેરો બાકી
પાણીવેરા પેટે વર્ષોથી બાકી નીકળતાં લહેણાંની ઉઘરાણી માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા અપાયેલી નોટિસો


મહેસાણા અને પાટણ જિલ્લાના ૭૦૮ ગામોમાં ધરોઇ તેમજ નર્મદા યોજના અંતર્ગત પૂરો પડાતા પાણી પુરવઠા પેટે લ્હેણી રહેતી રૂ.૪૧.૧૬ કરોડ જેટલી રકમ ચૂકવવામાં ઢીલ કરનાર મહેસાણા અને પાટણ જિલ્લા વિકાસ અધિકારીને પાણી પુરવઠા વિભાગે નોટિસ આપી ગ્રામ પંચાયતોને ફાળવાતી ગ્રાન્ટમાંથી બિલની રકમ ભરપાઇ કરવા જણાવ્યું છે. એજ પ્રમાણે મહેસાણા, પાટણ સહિ‌તની નવ નગરપાલિકાઓના પાણી પુરવઠા પેટે રૂ.૨૬.૪૦ કરોડ જેટલી રકમ લ્હેણી રહેતી હોઇ તેમને પણ નોટિસ અપાઇ છે.

જિલ્લાના તમામ નાના- મોટા અંતરિયાળ ગામડાઓ સુધી પાણીની સુવિધા પહોંચે તે માટે તંત્ર સાબદું બન્યું છે, ત્યારે મહેસાણા અને પાટણ જિલ્લાના ૭૦૮ ગામોમાં અપાયેલા પાણી પુરવઠા પેટે કરોડોની રકમ નહીં ચૂકવાતાં પાણી પુરવઠા વિભાગ વિમાસણમાં મુકાયો છે. પાણી પુરવઠા વિભાગના આંકડા અનુસાર, પાટણ જિલ્લાના ૧૩૧ તેમજ મહેસાણા જિલ્લાના ૩૨૯ ગામોમાં નર્મદા યોજના આધારિત, જ્યારે ૩૮૦ ગામોમા ધરોઇ યોજના આધારિત શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે. જેમાં ૧પ માર્ચ,૨૦૧૩ સુધીમાં ૭૦૮ ગામોને પૂરું પાડેલ પાણી પેટે પાણી પુરવઠા વિભાગને રૂ.૪૧ કરોડ ૧૬ લાખ ૪૧ હજાર ૪૮પ જેટલી રકમ લ્હેણી નીકળતી હોઇ મહેસાણા તેમજ પાટણ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત નોટિસ આપી ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ સહિ‌તમાંથી રકમ ચૂકવી દેવા તાકીદ કરાઇ છે.

પાટણ પાલિકાના પ૦ લાખ સાત વર્ષથી બાકી
પાટણ નગરપાલિકા પાસે પાણીના ર્સોસ ન હોવાના કારણે અગાઉ ધરોઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવતું હોઇ સાત વર્ષ અગાઉના પાણી પુરવઠા વિભાગને રૂ.પ૦.પ૩ લાખ જેટલી લ્હેણી નીકળે છે. જેની ઉઘરાણી માટે અગાઉ અનેક વખત લેખિત નોટિસો આપવા છતાં પાલિકા દ્વારા આ લહેણું ચૂકવવામાં ભારે ઉદાસીન જોવા મળી છે.


નોટિસ અપાય છે, પરંતુ અમલીકરણ થતું નથી
પીવાના પાણીના લહેણા પેટે કરોડોની રકમ બાકી હોવા અંગે પાણી પુરવઠા વિભાગ દ્વારા સમયાંતરે નોટિસો આપવામાં આવે છે. પરંતુ આ રકમની ચૂકવણી થતી નથી તેમ મહેસાણા પાણી પુરવઠા વિભાગના ઇજનેર પીઆઇ પટેલે જણાવ્યું હતું.

નગરપાલિકાઓ પણ પાણીવેરો ભરવામાં ઉદાસીન
મહેસાણા, પાટણ સહિ‌ત નવ નગરપાલિકાઓ પાસેથી પણ પાણી પુરવઠા વિભાગને કુલ રૂ.૨૬.૪૦ કરોડ જેટલી રકમ લ્હેણી હોઇ આ બાબતે ચીફ ઓફિસરોને લેખિત સૂચનાઓ આપવામાં આવી છે. જોકે, તેઓ દ્વારા વર્ષ દરમિયાન સગવડ મુજબ માત્ર પ થી ૭ લાખ જેટલી રકમ પાણી પેટે ચૂકવાતી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

કઇ પાલિકાનું કેટલું લહેણું બાકી

નર્મદા યોજના આધારિત
મહેસાણા : ૨૬,૮૮,૮૩૨
નાગલપુર : ૦૨,૩પ,૨૦૦
ચાણસ્મા : ૭૦,૮૮,૦૯૬
કડી : ૩,૭૨,૮૨,૩૭૬
ધરોઇ યોજના આધારિત
ખેરાલુ : ૨,પ૧,પ૨,પ૪૦
વડનગર : ૩,૩૦,૧૦,૯૨૦
ઊંઝા : ૬,૦૯,૨૩,૨૭૬
વિસનગર : ૬,૩૧,૮૧,૩૪૪
પાટણ : પ૦,પ૩,૦૦૦
સિદ્ધપુર : ૨,૭૯,૪૬,૦૮૪