મહેસાણા: પરવાના વિના લારીઓમાં વેચાય છે ફટાકડા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તોરણવાળી માતા ચોકમાં પરવાના વિના ખુલ્લેઆમ ફટાકડાનો બિન્દાસ્ત વેપાર ચાલી રહ્યો છે. )

મહેસાણા: દિવાળીને પગલે આનંદનો માહોલ છવાયો છે. પરંતુ એક ચિનગારીથી શહેરમાં ભીષણ અગ્નિકાંડ સર્જાઇ શકે એમ છે. સલામતી કે સુરક્ષાના નિયમોની દિવાળી કરીને શહેરના બજારોમાં ઠેર ઠેર જીવતા બોમ્બ સમાન દારૂખાનું ખુલ્લેઆમ વેચાઇ રહ્યું છે. શહેરનો ભીડવાળો વિસ્તાર હોય કે મુખ્ય રસ્તો, બધે જ તંત્રની મંજૂરી વિના ફટાકડા બજાર ધમધમી રહ્યાં છે. તોરણવાળી માતાના ચોક કે અન્ય વિસ્તારમાં જ્યાં ફટાકડાની હાટડીઓ મંડાઇ છે ત્યાં રસ્તા પર ગમે તે કોઇ બીડી કે સિગારેટ પીતાં ઉડતો એક તણખો ભીષણ અગ્નિકાંડ કરી શકે એમ છે.

ફટાકડાના વેચાણ માટે નોંધણી કરાવવી ફરજિયાત છે. વહીવટી તંત્ર દ્વારા પરવાનો અપાયા બાદ અને એ પણ સલામતીના બધા નિયમોનું પાલન કરવાની શરતે જ ફટાકડા વેચી શકાય. પરંતુ શહેરમાં ફટાકડાના પરવાના માટે માત્ર 29 જ અરજી આવી છે. જેમાં પરવાના આપવા કાર્યવાહી ચાલું છે ત્યારે શહેરમાં ટેટા, કોઠી, રોકેડ બોમ્બ સહિતના ફટાકડાની હાટડીઓ ખુલી ગઇ છે. જ્યાં પરવાનો જ નથી ત્યાં સલામતીના નિયમોની પણ દિવાળી કરાઇ રહી છે. પરવાના વિના ધમધમતી ફટાકડાની આ લારીઓ, હાટડીઓને પગલે અહીંથી પસાર થતા લોકોના જાન જોખમમાં મુકાઇ રહ્યા છે. પરંતુ જાણે કે સબ સલામત હૈના આલાપ કરતા તંત્ર સામે પણ સવાલો ઉભા થયા છે.

શું છે સલામતીના નિયમો
- બંધ અને સુરક્ષિત હોય તેવી જગ્યાએ ફટાકડા રાખવા કે જેથી અનધિકૃત વ્યક્તિઓની અવરજવર અટકાવી શકાય.
- લાયસન્સમાં દર્શાવેલ સ્થળ સિવાય વેચાણ કરી શકાય નહીં.
- સળગી ન ઉઠે તેવા સિમેન્ટ કે ગેલ્વેનાઇઝના પતરાં જેવી વસ્તુમાંથી અને ત્રણ બાજુ બંધ તેવો શેડ જરૂરી.
- બે દુકાનો વચ્ચે ઓછામાં ઓછા ત્રણ મીટરનું અંતર રાખવું.
- રક્ષિત કામધંધાથી આ પ્રકારની દુકાનો, શેડ 50 મીટર દૂર હોવા જોઇએ.
- અગ્નિશામક યંત્રો, રેતી ભરેલી ડોલ, થેલીઓ તથા ફાયર ફાયટરની સ્થળ પર સુવિધા રાખવી.
- 145 ડીબી(સી)પી કે તે કરતાં વધારે અવાજ ઉત્પન્ન કરતા ફટાકડાનું વેચાણ ન કરી શકાય.

કયાં કેટલી લારીઓ ખડકાઇ
21 લારી ફુવારાથી રાજમહેલ રોડ
28 લારી તોરણવાળી ચોકથી સ્ટેશન વિસ્તાર
38 લારી બીકે રોડ વિસ્તાર
12 લારી રાધનપુર રોડ
16 લારી મોઢેરા રોડ વિસ્તાર

કયાં કેટલી લારીઓ ખડકાઇ
21 લારી ફુવારાથી રાજમહેલ રોડ
28 લારી તોરણવાળી ચોકથી સ્ટેશન વિસ્તાર
38 લારી બીકે રોડ વિસ્તાર
12 લારી રાધનપુર રોડ
16 લારી મોઢેરા રોડ વિસ્તાર

બીડી પીનારનું ધ્યાન રાખીએ છીએ
બીકે રોડ પર ફટાકડા વેચતા લારીધારક વિજયભાઇએ જણાવ્યું કે, પરવાનો તો નથી, પરંતુ સલામતી માટે પાણીનું કેન રાખીએ છીએ તેમજ લારી ફરતે અમારા ચાર માણસો બીડી પીનારાઓનું ધ્યાન રાખે છે. તોરણવાળી ચોકમાં ફટાકડાની લારીધારક રાજુભાઇનું કહેવું છે કે, પેટિયું રળવા માટે સિઝનેબલ ધંધો કરીએ છીએ.

સીધી વાત
રમેશભાઇ જોશી


- શું ફટાકટાના પરવાના માટે સલામતી જોવાય છે?
હા, નિયમો મુજબ સલામતી તો રાખવાની હોય જ છે.
- સલામતી અને પરવાના વગર હાટડી ચાલે છે એની ખબર છે?
એવું ધ્યાને નથી પણ તમે કહો છો તો આ બાબતે આવતીકાલે તપાસ કરાવીશું.