• Gujarati News
  • Complaint Boxes Were Imposed For The Protection Of Women 'unsafe'

મહિ‌લાઓની સુરક્ષા માટે મૂકેલી ફરિયાદ પેટીઓ જ 'અસુરક્ષિત’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા પોલીસનો સ્ત્રી અત્યાચારના ગુના અટકાવવા મહત્વનો પ્રયોગ
ફરિયાદ પેટીઓમાં નનામી અરજીઓ તેમજ પેપ્સી, ગુટખાના પાઉચો મળે છે
શરમથી માથું ઝુકી જાય તેવા અશ્લીલ શબ્દો લખેલી ચિઠ્ઠીઓ પણ નીકળે છે


ધોળેદહાડે છેડતી, જાતીય શોષણ, ચેનચાળા તેમજ સાઇબર ક્રાઇમનો ભોગ બનતી યુવતીઓ-વિદ્યાર્થિ‌નીઓની સુરક્ષા માટે મુકવામા આવેલી ફરિયાદ પેટી જ હાલ અસુરક્ષિત જણાય છે. આ ફરિયાદ પેટીઓમાં નનામી અરજીઓ તેમજ પેપ્સી, ગુટખાના પાઉચો મળી રહ્યા છે. તો કેટલાક ટીખળખોરો દ્વારા અશ્લીલ શબ્દો લખેલી ચિઠ્ઠીઓ જોઇ મહિ‌લા સુરક્ષા ટીમ પણ વિચારતી થઇ ગઇ છે.

દિલ્હી દુષ્કર્મની ઘટના બાદ મહિ‌લા- યુવતીઓની સુરક્ષાના પ્રશ્ન સામે સવાલ ખડા થયા છે. ત્યારે મહેસાણા જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ ગત ૧૨ ફેબ્રુઆરી બાદ મહિ‌લા સુરક્ષા સ્કવોર્ડ આડે દહાડે મહિ‌લા, યુવતી તેમજ વિદ્યાર્થિ‌નીઓ પર થતાં અત્યાચાર પર સીધી નજર રાખવાના મુખ્ય ઉદ્દેશ સાથે શહેરની શાળા- કોલેજો તેમજ જાહેર વિસ્તારોમાં ૨૦ જેટલી ફરિયાદ પેટીઓ મુકવામાં આવી હતી. જોકે, શરૂઆતમાં કેટલીક વિદ્યાર્થિ‌નીઓ દ્વારા આવેલી નનામી અરજીઓને બાદ કરતાં આ ફરિયાદ પેટીમાં ટીખળખોરો દ્વારા પેપ્સીની કોથળીઓ, ગુટખાના પાઉચ તેમજ અપશબ્દો લખેલી ચિઠ્ઠીઓ મળી આવતાં મહિ‌લા પોલીસ ચોંકી ગઇ હતી. હાલમાં મહિ‌લા સુરક્ષા સ્કવોર્ડની મહિ‌લા પોલીસકર્મીઓ દ્વારા સાંજે રાબેતા મુજબ ખોલવામાં આવતી મોટાભાગની પેટીઓ ખાલી જોવા મળે છે, જ્યારે કેટલીક અજાણ્યા વ્યકિતઓ ઉપાડી જતાં પ્રોજેકટ મૃત:પાય બન્યો છે.

નવતર પ્રયોગ માત્ર 'પ્રયોગ’ બન્યો

મહિ‌લા, વિદ્યાર્થિ‌નીઓ પર થતા અત્યાચાર તેમજ શોષણને અટકાવવા માટે ફરિયાદ પેટી મહત્વની ભૂમિકા ભજવશે તેવી માન્યતા વચ્ચે મુકાયેલી ફરિયાદ પેટીમાં આવતી તમામ ફરિયાદોને પ્રાધાન્ય આપી તાત્કાલિક તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ હાલમાં નિરર્થક રહ્યો હોવાનું ખુદ મહિ‌લા સુરક્ષા સ્કવોર્ડના સૂત્રો પણ માને છે. નોંધનીય છે કે, શરૂઆતમાં ફરિયાદ પેટીઓમાંથી મળતી ચિઠ્ઠીઓમાં લખાયેલ સરનામું તેમજ મોબાઇલ નંબર ખોટા હોવાનું ખુલતાં પોલીસ પણ મૂંઝાય છે.

સીધી વાત- જે.આર.મોથલિયા
જિલ્લા પોલીસવડા

હાલની સ્થિતિથી માહિ‌તગાર નથી

ત્રણ મહિ‌ના દરમિયાન ફરિયાદ પેટીમાં કેટલી ફરિયાદો મળી?
તેનો ખ્યાલ નથી, પરંતુ જે આવી હશે તેનું નિરાકરણ આવી ગયું હશે.
ફરિયાદ પેટીમાં ફરિયાદને બદલે અપશબ્દો તેમજ કચરો નીકળે છે તે બાબતે શું કહેવું છે?
મારા ધ્યાનમાં આ બાબત આવી નથી. હું ચોક્કસથી આ બાબતે માહિ‌તી મેળવીશ.
આ અભિયાન અસફળ રહેવા પાછળનું કારણ શું?
મહિ‌લાઓની કોઇ ફરિયાદ જ નહીં હોય, માટે જ કોઇ ફરિયાદ નહીં આવતી હોય. છતાં પણ હું હાલ બહાર છું, તપાસ કરીને કહી શકું.