• Gujarati News
  • Complain Again Two For 39.39 Lac Cheating With Transporter

મહેસાણાના ટ્રાન્સપોર્ટર સાથે ૩૯.૩૯ લાખની છેતરપિંડી આચરનારા બે વિરુદ્ધ ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભાવનગરના બે શખ્સો પાંચ માસ પહેલાં રૂ.૪૨ લાખ નક્કી કરી ત્રણ ટ્રકો ખરીદી ગયા હતા
- બાંના પેટે રૂ.૨.૬૧ લાખ આપ્યા બાદ બાકીના રૂ.૩૯.૩૯ લાખ આપવામાં હાથ ઊંચા કરી દીધા

મહેસાણાના ટ્રાન્સપોર્ટર પાસેથી પાંચેક માસ પહેલાં રૂ.૪૨ લાખની ત્રણ ટ્રકો ખરીદ્યા બાદ બાકીના રૂ.૩૯.૩૯ લાખ ન આપી છેતરપિંડી કરનારા ભાવનગરના બે શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. મહેસાણાના નાગલપુર હાઈવે પર પૃથ્વી કોમ્પલેક્સમાં દર્શન રોડલાઈન્સ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પટેલ બાબુભાઈ હીરદાસ ૨૪મી ડિસેમ્બર ૨૦૧૩ના રોજ સ્થાનિક આરટીઓ કચેરીમાં ગયા હતા. અહીં વિજાપુર તાલુકાના ફૂદેડાના તેમના મિત્ર મુકેશભાઈ મણીલાલ પટેલે ભાવનગરના અનિરૂદ્ધસિંહ પરમાર તથા સલીમભાઈ ખોજા સાથે મુલાકાત કરાવી હતી. આ શખ્સોએ ટ્રકો વેચાણ રાખવાની વાત કરતાં બાબુભાઈએ તેમની ટ્રકો વેચવાની હોવાનું જણાવ્યું હતું.

૨૮મી ડિસેમ્બરે આ બંને શખ્સો દર્શન રોડલાઈન્સની ઓફિસે આવ્યા હતા અને અહીં બાબુભાઈની જીજે-૧૭-વાય-૯પ૨પ, જીજે-૧૭-વાય-૯પ૨૮ તથા જીજે-૧૭-વાય-૯પ૭૯ નંબરની ત્રણ ટ્રકો રૂ.૪૨ લાખમાં ખરીદવાનો સોદો કરીને લઈ ગયા હતા. આ શખ્સોએ બાના પેટે રૂ.૨.૬૧ લાખ રોકડા આપી રૂ.૩૯.૩૯ લાખનો ચેક બાબુભાઈને આપ્યો હતો અને ચેક ખાતામાં નાખતા નહીં રોકડાં નાણાં આપી દઈશું તેવો વિશ્વાસ આપ્યો હતો. જો કે, અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં સમયસર નાણાં ન મળતાં બાબુભાઈ તેમના વેવાઈ તથા મિત્ર સાથે ૨૦મી એપ્રિલે ભાવનગર ગયા હતા.

જ્યાં સુભાષનગર ચોકડીએ મળેલા અનિરૂદ્ધસિંહે તેમને નાણાં પણ નહીં મળે અને ટ્રકો પણ નહીં મળે તેવું સંભળાવી દીધું હતું. છેતરાયા હોવાનું જણાતાં છેવટે બાબુભાઈએ આ બાબતે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે પરમાર અનિરૂદ્ધસિંહ નારસિંહ (રહે. હરીઓમ સોસાયટી, સુભાષનગર રીંગરોડ, ભાવનગર) તથા સલીમભાઈ ખોજા વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી પીએસઆઈ એસ.એસ.રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.