શુક્રવારે ઝડપાયેલા દારૂના ગુનામાં કોંગી નગરસેવક વિરુદ્ધ ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહેસાણા એલસીબીએ કારમાંથી વિદેશી દારૂ સાથે પકડેલા બે શખ્સોની પૂછપરછમાં નામ ખૂલ્યું

શુક્રવારે મોડી રાત્રે મહેસાણા એલસીબીએ શહેરના ગોપીનાળા પાસેથી પસાર થતી કારમાંથી રૂ.૧.૨૧ લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ જથ્થો કોંગી નગરસેવકના ઘરે ઉતારવાનો હોવાનું ખુલતાં પોલીસે ઝડપાયેલા બે શખ્સો તેમજ તે નગરસેવક સહિ‌ત ત્રણ વિરુદ્ધ એ ડિવિ. પોલીસમાં ફરિયાદ નોંધી છે.

એલસીબી પીઆઇ સહિ‌ત સ્ટાફના માણસો શુક્રવારે કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં હતા ત્યારે શહેરના કસ્બામાં રહેતા બહેલીમ ઐયુબ ઉર્ફે જવાનની જીજે-૨-બીડી-૪૯૩૧ નંબરની અલ્ટો કારમાં વિદેશી દારૂનો જથ્થો રાધનપુર રોડ પર થઈને ગોપીનાળામાંથી નીકળવાનો હોવાની બાતમી મળતાં નાળા પાસે બે ટીમોએ વોચ ગોઠવી હતી. દરમિયાન રાત્રે ૧૨-૩૦ કલાકે આ નંબરની કાર આવી પહોંચતાં તેને રોકીને તપાસ કરતાં અંદરથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની ૮૭૬ બોટલો તથા બિયરનાં ૨૪ ટીન ઝડપાયાં હતાં. પોલીસે રૂ.૧.૨૧ લાખના વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ તેમજ કાર મળીને રૂ.૩.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કારમાંથી ઝડપાયેલા મોઘલ ઐયુબ નુરખાન (રહે. મહેસાણા પંખીયાવાસ) તથા નાગોરી રિયાઝ ઇલમભાઇ (રહે.નવરંગ શેરી, મહેસાણા)ની પોલીસે પૂછપરછ કરતાં તેમણે દારૂનો આ જથ્થો કસ્બામાં રહેતા બહેલીમ ઐયુબ ઉર્ફે જવાન અશરફખાનના ઘરે ઉતારવાનો હોવાનું જણાવ્યું હતું. જેના પગલે પોલીસે આ બંને શખ્સો તેમજ કોંગી નગરસેવક ઐયુબ ઉર્ફે જવાન મળીને ત્રણ શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને વધુ તપાસ હાથ ધરી હતી.